પાન-માવાના ગલ્લાઓ, શાકભાજીની લારીઓ, દૂધની દુકાનો
અને જરૂરિયાત વસ્તુની દુકાનો ખુલ્લી રહી
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ચીંતાજનક રીતે પસાર થઈ રહી છે અને દરરોજ મોટીસંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે તેમજ કોરોનાથી મોતનો આંક પણ દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા વેપારીઓ અને શહેરીજનો સહિત સ્થાનીક તંત્ર સતર્ક બન્યું છે જેના ભાગરૂપે શહેરની બજારોમાં આજથી પાંચ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજથી શહેરની બજારોમાં સંપૂર્ણ લોકડાઉનની અસર જોવા મળશે.
આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ વધી ચુક્યું છે અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ રોકવા અને શહેરી વિસ્તારોમાં ખરીદીમાં વધુ ભીડ એકત્ર ન થાય તે માટે થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર પાલિકા કચેરી ખાતે ચીફ ઓફીસર, પાલિકા પ્રમુખ સહિત વિવિધ વેપારી એસોશીએસનના હોદ્દેદારો, આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં અને સંક્રમણ રોકવા ચર્ચા વિચારણા હાથધરવામાં આવી હતી.
જેમાં સર્વાનુમત્તે શહેરી વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ બેઠક યોજાયા બાદ અમુક વેપારીઓ અને દુકાનદારો સ્વૈચ્છિક લોકડાઉન માટે સહમત નહોતા અને આ અંગે અસંજસ ચાલી રહી હતી પરંતુ અંતે કોરોના વાયરસનું સંક્રમણ રોકવા સ્વૈચ્છિક લોકડાઉન જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતની શહેરી વિસ્તારોની તમામ દુકાનો ધંધો અને રોજગાર આજથી આગામી તા.02 મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનને પગલે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
જો કે આ પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉન દરમ્યાન દુધ, શાકભાજી અને દવા સહિતની ઈમરજન્સી સેવાઓ રાબેતા મુજબ શરૂ રહેશે આમ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં આજથી પાંચ દિવસ માટે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે તેમજ આ પાંચ દિવસ દરમ્યાન જો કોઈ દુકાનદાર દુકાન ખુલ્લી રાખશે તો તેમની સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં કોરોનાના પગલે વધુ 24 લોકોના મોત નિપજ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે ત્યારે આજે વહેલી સવારે કોરોનાના પગલે 24 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કોરોના એક તરફ તરફથી હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે વેપારી એસોસીએશન મેદાને આવી અને આર્થિક સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના ધંધા-રોજગાર પાંચ દિવસ બંધ રાખવા માટે સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી તમામ ધંધા-રોજગાર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના બંધ જોવા મળ્યા છે પરંતુ એક સાથે 24 લોકોના વહેલી સવારે મોત થતા હાહાકાર મચવા પામ્યો હતો.