નિફટી-ફીફટીમાં 230 પોઈન્ટનો વધારો: સોનુ રૂા.455 જ્યારે ચાંદી રૂા.1230 તૂટ્યું
કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાને રોકવા સરકાર કટીબદ્ધ બની છે. સરકારે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે. આ ઉપરાંત વિદેશમાંથી પણ સહાયનો ધોધ વરસી રહ્યો છે. એકંદરે લોકડાઉન કે કરફયુના કારણે અર્થતંત્ર ઉપર વધુ અસર પડશે નહીં તેવી આશાના કારણે સેન્સેકસમાં ફૂલગુલાબી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ ગઈકાલની જેમ ભારે ઉછાળો નોંધાયો હતો.
આજે સેન્સેકસ 814 પોઈન્ટ ઉછળ્યો છે. અત્યારે સેન્સેકસ 49758ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. ખાસ કરી બેન્કીંગ, ઓટોમોટીવ, ટેલીકોમ, કેમીકલ સહિતના ક્ષેત્રમાં ભારે લેવાલી જોવા મળી છે. આ ઉપરાંત બજાજ ફીન, ઈન્ડુસીન્ડ બેંક, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, બજાજ ઓટો, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, એકસીસ બેંક સહિતના શેરમાં 1.60 ટકાથી લઈ 8.25 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
બીજી તરફ નેસ્લે, એચસીએલ, ટીસીએસ તેમજ આઈટીસી સહિતના શેરમાં ગાબડા જોવા મળ્યા છે. વર્તમાન સમયે નિફટી-ફિફટીમાં 225 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બેંક નિફટી 1024 પોઈન્ટ ઉછળી છે. મીડકેપમાં પણ 293 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. એસજીએક્સ નિફટી 210 પોઈન્ટ વધી છે.
ઉલ્લેખનીય છે કે, આજે સોનામાં 455 રૂપિયાનું ગાબડુ પડ્યું છે. સોનુ અત્યારે 46848ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે. સીલ્વરમાં પણ 1250 પોઈન્ટનું ગાબડુ પડી ગયું છે. અત્યારે સીલ્વર 68728ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયો આજે 29 પૈસા મજબૂત બન્યો છે.