કચ્છમાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનના સિલિન્ડર રિફિલિંગ કરાવવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થતા ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોરોનાની મહામારીમાં હાલ ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. જેના પગલે હવે લોકો ઓક્સિજન માટે પડાપડી કરી રહ્યા છે. જેમાં કચ્છમાં ઓક્સિજન સિલિન્ડર ભરાવવા માટે બે જૂથ વચ્ચે મામલો બીચકયો હતો અને એક શખ્સ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભચાઉ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ કનુભા જાડેજાને જાણ થતા બન્ને જૂથના પાંચ શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. તેઓ મોટી ચીરઈમાં આવેલી અગ્રવાલ એન્ડ કંપનીના ગેટ પાસે ગત રાત્રે બંદોબસ્તમાં હતા ત્યારે કંપનીની અંદર ઓફિસ પાસે આ ચકચારી બનાવ બન્યો હતો, જેમાં મોટી ચીરઈના રાજભા કાનજીભા જાડેજા, રામદેવસિંહ રઘુભા જાડેજા, શિવરાજસિંહ જાડેજા, મયૂરસિંહ જાડેજા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી.
બન્ને પક્ષના આરોપીઓ આશાપુરા ટ્રેડર્સ ભુજની ગાડીઓ ઓક્સિજન ગેસ-સિલિન્ડર ભરવા બાબતે વચ્ચે ગાડી ઊભી રાખ્યાના મનદુ:ખે ઘર્ષણમાં ઊતર્યા હતા, જેમાં એક પક્ષે રાજભા કાનજીભા જાડેજાએ રિવોલ્વર સાથે આવી રામદેવસિંહ રઘુભા જાડેજાએ ધોકો અને એક અજાણ્યા શખ્સે ધારિયા સાથે આવીને તકરાર કરી હતી. સામા પક્ષે શિવરાજસિંહ જાડેજા અને મયૂરસિંહ જાડેજાએ પણ ગેરકાયદે મંડળી રચીને પ્રાણઘાતક હથિયારો ધારણ કરીને તકરાર કરી હતી. રાજભાએ સામા પક્ષના આરોપીઓના લમણે રિવોલ્વર રાખીને જાનથી મારી નાખવાના ઈરાદે, આટલી જ વાર લાગશે એવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બન્ને વચ્ચે ઝપાઝપી થયા બાદ બંને પક્ષોએ એકબીજાની ગાડીને નુકસાન પણ પહોચાડ્યું હતું. ઉશ્કેરાયેલા આરોપી રાજભાએ જમીનમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને ગેટ પર પોલીસ-બંદોબસ્તમાં રહેલા ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ કનુભા જાડેજા દોડી ગયા હતા. તેમણે બન્ને પક્ષના માણસોને વચ્ચે પડીને છોડાવ્યા હતા. તેમની સાથે મોટી ચીરઈના સરપંચ હરપાલસિંહ નટુભા જાડેજાએ પણ એક પક્ષના સાગરીતોને પકડી રાખીને છોડાવ્યા હતા. બન્ને પક્ષોને છૂટા પાડતા પોતપોતાની ગાડીઓ લઈને નાસી ગયાની પોલીસ ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઇ છે. આગળની તપાસ પીએસઆઈ પી.એન. ઝીઝુવાડિયા ચલાવી રહ્યા છે. હજુ સુધી કોઈ આરોપીની અટક થઈ શકી નથી.