મોરબી ઓપરેટરના અભાવે સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે લોકોને ધક્કા
મોરબીના લોકોને પડયા ઉપર પાટું જેવો ઘાટ. કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં દસ્તાવેજ કરવા વારંવાર ધક્કા ખાવા છતાં પુરતા ઓપરેટરો ન હોવાને લીધે દસ્તાવેજ કર્યા વગર પાછુ ફરવું પડે છે. સબ રજીસ્ટ્રાર કચેરી, મોરબીમાં તા.16/4/2021ના રોજ એક કોમ્પ્યુટર ઓપરેટર કોરોના ગ્રસ્ત થતા તે દિવસે પુરતા ઓપરેટરો ન હોય દસ્તાવેજી કામગીરી સબ રજીસ્ટ્રાર, મોરબીની સૂચનાથી કામગીરી બંધ રાખવામાં આવેલ. અને રેવન્યુ વકીલ મંડળ તથા રેવન્યુ પ્રેક્ટિશનરો એ પુરતા કોમ્પ્યુટર ઓપરેટરો ન હોવા ને લીધે ભીડ થવાની દહેશત ને લીધે સંક્રમણ ન વધે તે માટે તા.19/4 થી તા. 23/4 સુધી કામગીરીથી અલિપ્ત રહેવાનું સર્વાનુમતે નક્કી કરેલ અને આજરોજ તા.26/4 ના રોજ દસ્તાવેજ ઓફીસ ચાલુ થયેલ પરંતુ ફરી એક વખત પૂરતા ઓપરેટરો ન હોય દસ્તાવેજી કામગીરી શરૂ થઈ શકેલ ન હતી આથી આજે વકીલો અને દૂર-દૂરથી આવેલ લોકોને સવારથી સાંજ સુધી રાહ જોયા બાદ દસ્તાવેજ કર્યા વગર પરત ફરવું પડયું હતું.
જેને લીધે મોટી ઉંમરના સહિતના લોકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો અને કોરોનાની વિકટ પરિસ્થિતિમાંથી આવેલ બહેનોને પણ હેરાન થવું પડ્યું હતું. અને આજે દસ્તાવેજી કામગીરી ચાલુ થાય તે માટે રેવન્યુ વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ ગુજરાત ઇન્ફોટેક લિમિટેડના હોદ્દેદારોને આ બાબતે રજૂઆત કરેલ હતી. પરંતુ તેઓનાં ફોન રીસીવ થયાં ન હતા. અને સબ રજિસ્ટ્રાર નાં ફોનમાં ફોન કરતા તેઓએ કહ્યું હતું કે મારી પાસે સમય નથી મારો ટાઈમ વેસ્ટ ન કરો એમ કહીને ફોન કાપી નાખ્યો હતો. આમ ગુજરાત ઇન્ફોટેક લિમિટેડ પૂરતા ઓપરેટરો પૂરા પાડી ન શકવાને લીધે આજે તા. 26/4 કામગીરી શરૂ થઈ શકે ન હોય લોકો ના આર્થિક વ્યવહારો અટકી પડયા હતા અને લોન લીધેલ હોય તેના દસ્તાવેજ-મોર્ગેજ રજીસ્ટ્રેશન ન થતા કોરોના કાળમાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.