જયદીપ ઓક્સિજન પ્રા.લિ. કંપનીમાં માત્ર 320 રૂપિયામાં એક બાટલો રિફલિંગ, લોકોના પ્રાણ બચાવવા એજ કંપનીનો મુખ્ય ધ્યેય
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ અને હોસ્પિટલો શાપર મેટોડા સહિત ના સ્થળે ઓક્સિજન મેળવી રહ્યા છે.રાજકોટના શાપર ખાતે આવેલ જયદીપ ઓક્સિજન પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે કલેક્ટર તંત્ર દ્વારા ખુબજ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જામકંડોરણાના મામલતદાર વિજયભાઈ સહિતની સમગ્ર ટીમ 24 કલાક લોકો માટે કાર્યરત છે ત્યારે આસપાસની કંપનીના કર્મીઓ પણ આ ઓક્સિજન પ્લાન્ટ ખાતે સેવા આપી રહ્યા છે.પોતાના પરિવારજનોના પ્રાણ બચાવવા માટે લોકો દૂર દૂરથી ઓક્સિજનના બાટલા રિફીલિંગ માટે અહીં આવે ત્યારે તેઓને અગવળતા ન પડે તે માટે પોલીસ તંત્ર, કલેક્ટર તંત્ર તેમજ જયદીપ ઑક્સિજન કંપનીના કર્મીઓ ખડે પગે છે.રાજકોટ કલેક્ટર તંત્ર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો પેનિક ન થાય ઓક્સિજનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.શાપર ખાતે સ્થિત કંપનીમાં 2 ઓક્સિજન પ્લાન્ટ હોવાથી ખુબજ ઝડપથી રિફીલિંગ કરીને બાટલા પરત કરી દેવામાં આવે છે.
લોકો પેનિક ન થાય, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ – વિજયભાઈ
( મામલતદાર , જામકંડોરણા )
જામકંડોરણાના મામલતદાર વિજયભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી ડ્યુટી શાપરમાં જયદીપ ઓક્સિજન કંપની ખાતે છે.કલેક્ટર શ્રીના આદેશ અનુસાર તંત્ર ખડે પગે રહી લોકોની મદદ કરી રહ્યું છે.
12 – 12 કલાકની ડ્યુટી ફાળવી લોકોને બનતી મદદ કરી રહ્યા છીએ.દરેક લોકોને સ્ટીકર આપી નંબર ફાળવી બાટલા રિફીલિંગ કરવામાં આવે છે.રિફીલિંગ થઈ જાય એટલે ફોન કરી તેને બોલાવી બાટલો આપવામાં આવે છે.સામાજીક સંસ્થાના મિત્રો પણ તંત્રની મદદે આવ્યા છે.અત્યારે ઓક્સીજનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
એક બાટલા દીઠ એક વ્યક્તિનો જીવ બચે એ મુખ્ય હેતુ –
ભાવેશભાઈ મોલિયા (પૂજા ટેકનોકાસ્ટ)
જયદીપ ઓક્સિજન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સેવા આપતા પૂજા ટેક્નોકાસ્ટવાળા ભાવેશભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કંપનીમાં ઓક્સિજનના બે પ્લાન્ટ છે.હોમ આઇસોલેટ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.અમારા માટે તમામ દર્દીઓ સરખા છે તમામને ઓક્સિજન મળે અને એક બાટલા દીઠ એક દર્દીઓનો જીવ બચી જાય એ અમારો મુખ્ય હેતુ છે.કલેક્ટર તંત્રથી પૂરતો સપોર્ટ છે.સમયસર અમને લિકવિડ મળી રહે છે.એક બાટલો રિફીલિંગ કરતા 30 મિનિટનો સમય લાગે છે. એક બાટલા દિઠ માત્ર 320 રૂપિયા ચાર્જ વસુલવામાં આવી છે.એક સાથે 10 થી 20 બાટલા એક સાથે તેવી મશીનરી કંપનીમાં ઉપલબ્ધ છે.
બાટલા રિફીલિંગ માટે શું છે પ્રોસેસ ??
શાપર ખાતે સ્થિત જયદીપ ઓક્સિજન પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે ઓક્સિજનના બાટલા સાથે રૂબરૂ પોહચી સૌ પ્રથમ તમારૂ નામ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તંત્ર દ્વારા તમારા બાટલા પર તમારું નામ અને મોબાઇલ નંબર લખેલ સ્ટીકર લગાવવામાં આવે છે. દરરોજ ના 2000 બાટલાઓ રિફીલિંગ કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકોને થોડી ધીરજ રાખવા અનુરોધ કરવામાં છે.
બાટલો રિફીલિંગ થયા બાદ તુર્તજ લોકોને ફોન કરી ને બાટલો લઈ જવા માટે કહેવામાં આવે છે.હાલ પૂરતો ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ હોય લોકોને હાલાકી નહીં પડે તેવું ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે.
ઓક્સિજન બાટલા માટે હિરેનભાઈ હાપલીયાની અમુલ્ય સેવા
ડ્રીમ ફર્નીચરના હિરેનભાઈ હાપલીયા દ્વારા ઓક્સિજનની જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામુલ્યે સેવા આપવામાં આવે છે. જે લોકોને ઓક્સિજનની જરૂરીયાત હોય તેઓને રીફીલીંગ કરી દેવાય છે. આહિર ચોક, નહેરૂનગર, 80 ફૂટ રોડ ખાતે વિનામુલ્યે ઓક્સિજનના બાટલા રીફલીંગ કરી દેવામાં આવે છે. આ બાટલા માટે ચાર્જનો આગ્રહ રાખવામાં આવતો નથી. જો કે જે લોકો સ્વૈચ્છીક રીતે વળતર આપે છે તેને કનૈયા ગૌશાળા ટ્રસ્ટમાં વાપરવામાં આવે છે.
આ સેવાકાર્ય અંગે હિરેનભાઈ હાપલીયાએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, છેલ્લા સાત દિવસથી અમે ઓક્સિજનના બાટલા રીફલીંગ કરવાનું કાર્ય કરી રહ્યાં છીએ. 500 થી 700 બાટલા રીફલીંગ કરી દીધા છે. દરરોજ સરેરાશ 100 જેટલા બાટલા રીફલીંગ કરવા આવે છે. રાત્રે 12 વાગ્યે પણ ઓક્સિજન માટે સેવા આપીએ છીએ. વધુ વિગતો માટે મો.98254 78744નો સંપર્ક કરવા જણાવાયું છે.
તંત્ર લોકોની સાથે છે, દરરોજના 2000 બાટલાઓ રિફલિંગ થાય છે –
અંકિત શેખાડા ( નાયબ મામલતદાર)
જયદીપ ઓક્સિજન કંપનીમાં ફરજ પર રહેલા નાયબ મામલતદાર એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોવિડ ના હાલની પરિસ્થિતિમાં લોકો વધુ ભયભીત છે.તંત્ર દ્વારા ઓક્સિજનની સપ્લાય પૂરતા પ્રમાણમાં રાખવામાં આવી છે.અહીં 8 ટન ઓક્સિજનનો જથ્થો આવ્યો છે.લોકોની મદદ માટે 24 કલાક કલેક્ટર તંત્ર સજ્જ છે. રાત્રે ઇમરજન્સીવાળા લોકો વધુ આવે છે.અમે લોકોને સાંત્વના આપી બનતી તમામ મદદ કરીએ છીએ.