12 થી 14 કલાકના વેઇટિંગમાં રહેલાઓને વ્હારે આવતા સામાજિક સંસ્થાઓ
શહેરમાં કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે ચૌધરીના ગ્રાઉન્ડમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓની લાંબી કતારો લાગી છે. જેમાં દર્દીઓની સાથે આવેલા તેમના સગા-સંબંધીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. એક તરફ વાયરસની મહામારી તો બીજી તરફ તાપમાનનો પારો પણ ઉચકાતા એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનમાં રહેલા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આવા કપરા સમયે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ માટે હવે સામાજિક સંસ્થાઓ વ્હારે આવી છે.
શહેરમાં હાલ કોરોનાની સ્થિતિ વણસી રહી છે. ત્યારે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓને દાખલ થવા માટે લાંબી કતારોમાં રગેવું પડે છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે ચૌધરી ગ્રહોઉન્ડમાં સરેરાશ 45 થી 50 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં દર્દીઓ અને તેમની સાથે રહેલા સગા-સંબંધીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
ચૌધરી ગ્રાઉન્ડથી હોસ્પિટલમાં એડમિટ થવા માટે હર એક દર્દીઓને અંદાજિત 12 થી 14 કલાકનું વેઇટિંગ રહેતું હોય છે. આવા ભર ઉનાળે દર્દીઓ સાથે સગા-સંબંધીઓ પણ તડકામાં શેકાઈ રહ્યા છે. પરંતુ તેમની મુશ્કેલીઓમાં સહભાગી થવા માટે અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા પાણી વિતરણથી માંડી લીંબુ અને વરિયાળીનું પાણી સાથે નાસ્તો અને અનેક વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દાખલ કરાવવા હોય તો હજુ પણ તેમના સગાએ અને દર્દીને લાવનારા એમ્બ્યુલન્સ સહિતના વાહનોને કલાકો સુધી કતારાં રહેવું પડે છે. એમ્બ્યુલન્સની સાથે સાથે હવે દર્દીઓના સગાઓ પણ રાતથી લાઇનમાં ઉભા રહે છે. વારો આવવામાં ખુબ સમય લાગતો હોઇ જેથી સગા ઘરેથી બેસવા માટે ખુરશીઓ લાવે છે. જેમ જેમ એમ્બ્યુલન્સ સહિતના વાહનો આગળ વધે તેમ તેમ દર્દીના સગાઓ ખુરશીઓ ઉઠાવીને આગળ વધે છે. હોસ્પિટલમાં સગા-સ્વજનને દાખલ કરાવવા માટે પણ કલાકોના કલાકો સુધી લાઇનોમાં ઉભવું પડશે એવા દિવસો પણ આવશે તેવી કોઇએ કલ્પના પણ નહોતી કરી. કોરોનાને કારણે હાલમાં લોકો ’બૂરે દિન’નો અનુભવ કરી રહ્યા છે.