જી.જી. હોસ્પિટલ, આયુર્વેદ હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલમાં કુલ 50 ટન કેપેસિટીની ઓકિસજન ટેન્ક મુકાશે
જામનગર શહેર-જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ અચાનક ઉછાળો આવ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં હાલ બે હજાર આસપાસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.આ ઉપરાંત આયુર્વેદ અને ડેન્ટલ હોસ્પિટલમાં પણ કોવિડની સારવાર માટેની વ્યવસ્થા કરવામા આવી રહી છે. ત્યારે આ ત્રણેય હોસ્પિટલમાં ઓક્સિજન માટે પણ યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવામા આવી રહી છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં કોવિડના બેડ વધારવામાં આવતા વધારાની ઓક્સિજન ટેન્કની પણ વ્યવસ્થા કરવામા આવ રહી છે. અહીં હાલ 10 ટન કેપેસિટીની ઓક્સિજન ટેન્ક મુકવામા આવી રહી છે. તો સાથે આયુર્વેદ હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓી સારવાર થવાની છે ત્યારે અહીં પણ વીસ વીસ ટનની ટેન્ક મુકવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામા આવી છે.હાલ ત્રણેય સ્થળ પર ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
જામનગરની કોવિડ હોસ્પિટલ માં 1200 બેડ ની સંખ્યા હતી જે અત્યારે 2000 બેડ સુધીની કરવામાં આવી છે અને હજુ પણ 370 બેડ વધારવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.જેમાં સૌથી 100 વધુ અતિ ક્રિટીકલ અને 600 થી વધુ દર્દીઓ ગંભીર છે એટલે ઓક્સીજનની જરૂરિયાત ખુબજ વધી ગઈ છે.
મહત્વનું છે કે, જામનગર જિલ્લામાં હાલ ઓક્સિજનની જરુરિયાતવાળા મોટાભાગના દર્દીઓ જીજી હોસ્પિટલ પર જ આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર થઈ રહી છે પરંતુ, મોટાભાગની હોસ્પિટલો ફૂલ હોવાથી જીજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે આગામી દિવસોમાં અહીં ઓક્સિજનની જરુરિયાત મુજબ વ્યવસ્થામાં વધારો થવો જરુરી બન્યું છે.