ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામે મામુલી રકમ ઉછીની માંગવા બાબતે એક શખ્સે યુવાન પર ત્રિકમ વડે ખૂની હુમલો કર્યા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પરવાળા ગામે રહેતા અને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા ચંદુ ગોરધનભાઇ મીઠાપરા નામના 23 વર્ષના યુવાન પર સચિન ભોથારાજા મકવાણા નામના શખ્સે ત્રિકમ વડે ખૂની હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હોસ્પિટલના બિછાનેથી ચંદુ મીઠાપરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે રાત્રીના સમયે સુતા હતા ત્યારે આરોપી સચિન ત્યાંથી પસાર થયો હતો. તે દરમિયાન ચંદુએ સચિન પાસેથી રૂ.50 ઉધાર માંગ્યા હતા. જેથી સચિનને માઠું લાગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ સચિને બાજુમાં પડેલી ત્રિકમ વડે ચંદુ પર હુમલો કર્યો હતો. સચિને યુવાનને ત્રણ ત્રિકમના ઘા મારતા ચંદુને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે ચંદુની ફરિયાદ પરથી સચિન સામે ખૂની હુમલો કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.