હાલ કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્વભરના દેશો, સરકારો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને ડોક્ટરો-વૈજ્ઞાનિકો પ્રયાસોમાં ઝુટાયા છે પરંતુ કોરોનાએ સ્વરૂપ બદલતા ફરી અમુક દેશોમાં બીજી તો ઘણા દેશોમાં ત્રીજી લહેર શરૂ થઈ છે. ભારત પણ વાયરસની બીજી લહેરમાં સપડાયો છે. આ મહાસંકટ વચ્ચે એક તરફ કેસ વધી રહ્યા છે તો બીજી તરફ આરોગ્ય સેવાની ઘટ ઊભી થઈ છે. કોરોના સામેના યુદ્ધમાં અસ્ત્ર સમાન ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત ઊભી થઈ છે. કોરોના ગ્રસ્ત દર્દીઓના પરિવારજનો રેમડેસીવીર ઇન્જેક્શનો માટે આમ-તેમ ભટકી રહ્યા છે. લોકો 900 રૂપિયાને બદલે 1500થી 2000 જેટલો ભાવ પણ ચૂકવી ઈન્જેક્શન ખરીદવા પડાપડી કરી રહ્યા છે.
વધતી જતી માંગ સામે પુરવઠો વધવો પણ ખૂબ આવશ્યક છે. પરંતુ આ માટે લાયસન્સ સહિતની જટિલ પ્રક્રિયા ધીમી ગતિએ થતી હોવાથી ઉત્પાદકોને ઝડપી મંજૂરી મળતી નથી. પરંતુ જો લાઇસન્સ આપવાની પ્રક્રિયા તેમજ આ માટે સંબંધિત અન્ય પ્રક્રિયા પણ ઝડપી બનાવાય તો જે લોકો રેમડેસીવીર ઈન્જેક્શનનું ઉત્પાદન કરવા ઈચ્છુક છે તેઓને ઝડપથી લીલીઝંડી મળી રહેશે. અને જો આ નિર્ણય તાત્કાલિક અસરથી લેવાય તો ખૂબ ટૂંકા ગાળામાં દેશમાં 450000 ઇન્જેક્શનના ડોઝ તૈયાર થઈ શકે તેમ છે. અને હાલની તીવ્ર માંગ પણ સંતોષાઈ શકે તેમ છે.