પ્રદેશ કોંગીના મહિલા પ્રમુખ, શહેર પ્રમુખ અને કોર્પોરેટરે ભાજપના ધારાસભ્ય સહિત પાંચ સામે કરી રાવ
સુરતમાં કોરોના દર્દી માટેના રેમડેસિવિર ઇન્જેકશનોનું વિતરણ કરવા અંગે સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, નિરંજન ઝાંઝમેરા, ભુરાલાલ શાહ, કેડીલા હેલ્થ કેરના ચેરમેન પંકજ પટેલ વિરૂધ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં એપેડેમિક ડીસીઝ એકટ 1897 હેઠળ ગુન્હો નોંધવા વશરામ સાગઠિયા, ગાંધીગ્રામ ચોકીમાં ગાયત્રીબા વાઘેલા તથા પ્રદિપ ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી છે.
રાજ્યમાં કોરોના દર્દીઓ માટે સંજીવની સમાન રેમડેસિવિર ઇન્જેકશનોની અછત છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ ઇન્જેકશનોનું જાહેર વિતરણ કર્યું હતું. તે બાબતે સી.આર.પાટીલ સહિત પાંચ મોટા ગજાના આગેવાનો સામે એપેડેમિક એકટ 1897 હેઠળ ગુન્હો નોંધવા રાજકોટ કોંગ્રેસના આગેવાનો ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, વશરામભાઇ સાગઠિયા અને પ્રદિપ ત્રિવેદીએ થોરાળા પોલીસ સ્ટેશન તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી અને તમામ સામે તપાસ ચલાવી ધરપકડ કરવા માંગ ઉઠાવી છે.
આ અંગે વશરામ સાગઠિયા તથા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના ગુજરાત એકમના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસે 5000 રેમડેસિવિર ઇન્જેકશનો કયાંથી આવ્યા ? તેઓએ ખરીદ્યા હોય તો સંગ્રહખોરી કેમ થઇ ? અને ભાજપના કાર્યકર્તાઓ પાસેથી જ આ ઇન્જેકશનો મળ્યા.
આ તમામ બાબતો શંકાસ્પદ હોઇ આ પ્રકરણમાં સી.આર.પાટીલ સાથે મેળાપીપણુ કરનાર હર્ષકુમાર સંઘવી, નિરંજન ઝાંઝમેરા (સુરત ભાજપ પ્રમુખ), ભુરાલાલ એમ. શાહ (નવસારી ભાજપ પ્રમુખ), પંકજ આર. પટેલ (કેડિલા હેલ્થ કેર લી. ઝાયડસ ગ્રુપ) વગેરે સામે એપેડેમીક એકટ 1897 હેઠળ ભારતીય સંહિતાની કલમ 120-બી તથા 175, 176, 177, 188, 201, 203, 269, 270 હેઠળના કૃત્યો કરેલ છે જે ઉપરની ફરિયાદથી સ્પષ્ટ થાય છે જેથી ઉપરોકત પાંચ સહિત બીજા ગુન્હેગારો નામદાર અદાલતની તપાસમાં જણાઇ આવે તે તમામની સામે ધરપકડના વોરંટ ઇશ્યુ કરી, યોગ્ય નસીહત કરવા ફરિયાદ છે.