જીનિયસ સ્કૂલ ખાતે અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે ઉજાસ કાઉન્સેલિંગ સેન્ટરનો આરંભ કરાયો
હાલમાં પ્રવર્તતી કોરોનાની કઠિન પરિસ્થિતીમાં સૌ કોઈ મહદઅંશે નાની-મોટી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમાં પણ બાળકોની પરિસ્થિતીને સમજવા માટે માતા-પિતા પણ લાચારી અનુભવી રહ્યા છે. આવા સંજોગોમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને મનોવિજ્ઞાન ભવનના સંયુકત ઉપક્રમે શરુ કરવામાં આવેલ ઉજાસ કાઉન્સેલિંગ અભિયાન અંતર્ગત રાજકોટની જાણીતી જીનિયસ સ્કૂલ સહિત શહેરની જુદી જુદી 13 શાળાઓમાં સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે. જીનિયસ સ્કૂલ ખાતે શરુ કરવામાં આવેલ છઠ્ઠા ઉજાસ સેન્ટરને તાજેતરમાં મહાનુભાવોના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ અંગે વધુ વિગત આપતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે વાલી, શિક્ષકો, સંચાલકો અને મનોવૈજ્ઞાનિક નિષ્ણાંતોના સહિયારા પ્રયાસોથી બાળકોનું કાઉન્સેલીંગ અત્યંત જરુરી છે. આ માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ઉજાસ સ્ટુડન્સ કાઉન્સેલિંગ અભિયાન ઘડવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ થકી બાળકોની વધતી જતી મનોવૈજ્ઞાનિક મુંઝવણ અને સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયત્નો કરવામાં આવશે.
જીનિયસ કાઉન્સેલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રી અંજલીબેન રુપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ તકે રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, ચિત્રલેખાના સિનીયર કોરસ્પોન્ડન્ટ શ્રી જ્વલંતભાઈ છાયા, સિનિયર કોર્પોરેટર શ્રી દેવાંગભાઇ માંકડ, મનોવિજ્ઞાન ભવનનાવડા ડો. યોગેશ જોગસણ અને તેમના ભવનના અન્ય અધ્યાપકોની ટીમના સભ્યો તેમજ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જીનિયસ સ્કૂલ ખાતે શરુ કરવામાં આવેલ આ કાઉન્સેલિંગ સેન્ટર બે વર્ષના બાળકોથી લઈને 18 વર્ષના બાળકોના પ્રશ્નોને નિષ્ણાંતો દ્વારા સમજીને વાલીઓને સાથે રહીને કેવી રીતે માર્ગ કાઢવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ માટે જીનિયસ કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રેઇન્ડ કાઉન્સિલરોની ટીમ કાર્યરત છે. જેમાં ઈન્ચાર્જ તરીકે જય ઈન્ટરનેશલ સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી વિપુલ ઘન્વા, તેમની સાથે ટીમમાં અનુભવી શિક્ષકો શ્રી કૃપા વિરડિયા અને શ્રીમતી જલ્પા ઘન્વા શામેલ છે. અહિં વિદ્યાર્થીઓની બદલાયેલા વર્તણુક, પરિક્ષા સંબંધી પ્રશ્નો, ઓનલાઈન ટીચીંગમાં પડતી મુશ્કેલીઓ, કોરોનાની નકારાત્મક પરિસ્થિતીની મન પર થતી અસરો ઉપરાંત વાલીઓને પણ તેમના બાળકોમાં તથા તેમની સાથેના સંબંધોમાં આવતા અણગમતા પરિવર્તન વિશે કાઉન્સેલર સાથે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવી શકે છે. કાઉન્સેલીંગ સેન્ટર અંગે વધુ માહિતી માટે વાલીઓએ +9199250 11305 નંબર પર સંપર્ક કરી શકાશે. જીનિયસ કાઉન્સેલિંગ સેન્ટરના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન શ્રી ડી. વી. મહેતા, સીઇઓ શ્રી ડિમ્પલબેન મહેતા અને શ્રી વિપુલ ઘન્વાના માર્ગદર્શનમાં જય ઈન્ટરનેશનલ સ્કૂલ અને જીનિયસ સ્કૂલના શિક્ષકો તેમજ કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.