ઓધાજી મારા વાલાને વઢીને કેજો રે…હે મનાવી લેજો રે… આવી જ કંઈક સ્થિતિ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની થઈ છે. એક તરફ રાજ્યમાં કોરોનાની ભયંકર ગતિએ ખતરનાક સ્થિતિ ઉપજાવી છે તો બીજી તરફ કોરોનાના ધમાસાણને અટકાવવા સંપૂર્ણ લોકડાઉનને લઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકર મૂંઝવણમાં મુકાયા છે. ગઈકાલે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં કેબિનેટ કક્ષાની બેઠક મળી હતી જેમાં તમામ મંત્રાલયના મંત્રીઓએ મુખ્યમંત્રીને સંપૂર્ણ લોકડાઉન લદાવવા વિનંતી કરી હતી. મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું જરૂરી બન્યું છે અને આમ તાત્કાલિક પગલાં ભરવા મુખ્યમંત્રીને મનાવવા પ્રયાસ કરાયો હતો. આપણી ગુજરાતી કાવ્ય પંક્તિ ઓધાજી…. માને તો મનાવી લેજોની જેમ જ મહારાષ્ટ્રના બધા વિભાગોના સચિવો, મંત્રીઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મનાવવામાં વ્યસ્ત થયા છે.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 144ની કલમ લાગુ છે. કડક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે પરંતુ આનાથી કોઈ ફરક ન પડતો હોવાનું સામે આવી રહ્યું છે. કારણ કે, કડક પ્રતિબંધ છતાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે કોરોનાની મહામારીમાં દરરોજ દર્દીની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જો કે મુંબઈમાં કોરોનાનાદર્દીની સંખ્યામાં ગત બે-ત્રણ દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે હવે અંતિમ વિકલ્પ તરીકે સંપૂર્ણ લોકડાઉન જ બચ્યો હોય તેમ માની સરકાર લોકડાઉન મૂકે એવી શક્યતા છે. આજે જાહેરાત થાય તેવી શકયતા છે.