25 બેડ ઓકિસજનની સુવિધવાળા અને 4 વેન્ટિલેટર પણ હશે
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે રાષ્ટ્રીય સ્મારક રાષ્ટ્રીય શાળામાં ખાનગી કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રીની ચળવળ માટે અસહકારનાં આંદોલન સમયે ઇ.સ 1921માં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી. જોકે આ રાષ્ટ્રીય ધરોહરને ટ્રસ્ટીઓ દ્વારા પ્રતિમાસ 1 લાખ ભાડા પેટે ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવા દેવાનો નિર્ણય કર્યો છે. જ્યાં મહાનુભાવો પ્રાર્થના કરતા તે ખંડમાં કોરોના દર્દીઓની પથારી મુકીને સારવાર કરવામાં આવશે.
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલોમાં બેડ ખુટી પડ્યા છે. ખાનગી હોસ્પિટલો પણ હાઉસ ફુલ છે. ત્યારે હવે રાષ્ટ્રીય સ્મારક એવી રાષ્ટ્રીય શાળામાં ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, રાષ્ટ્રીય શાળાને ખાનગી હોસ્પિટલને પ્રતિમાસ 1 લાખ રૂપીયાનાં ભાડે પેટે આપવામાં આવી છે. જેમાં 25 ઓક્સિજન બેડની સુવિધા અને 4 બેડ વેન્ટીલેટરની સુવિધા ઉભી કરવામાં આવશે. જેના માટે રાષ્ટ્રીય શાળાએ ડો. મિહિર તન્ના સાથે કરાર કર્યો છે જેમાં 1 લાખનું દાન પ્રતિ મહિને રાષ્ટ્રીય શાળાને આપશે.
રાષ્ટ્રીય શાળાની સ્થાપના ખુદ મહાત્મા ગાંધીજી દ્વારા ઇ.સ 1921માં કરવામાં આવી હતી. સ્વતંત્રતાની ચળવળમાં અસહકારનું આદોલન માટે રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરવામાં આવી હતી. જોકે આ 100 વર્ષ જૂની ઈમારત મહાત્મા ગાંધીજીનું મોટુ સંભારણું અને રાષ્ટ્રીય સ્મારક છે. જેને ટ્રસ્ટીઓ દ્વારા ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવા માટે ભાડે આપી દેવામાં આવી છે. જોકે ગાંધીજી હૈયાત હોત તો તેઓ પણ મહામારીમાં દર્દીઓની સારવાર કરવા લાગી જાત. આવી સ્થિતીમાં રાષ્ટ્રીય શાળા કોવિડ હોસ્પિટલ બનાવીને દર્દીઓને ઉપયોગી લેવામાં આવશે. જોકે ફાયર સેફટી માટે હોસ્પિટલ તૈયાર થયા બાદ ફાયર ઓફિસરની વિઝીટ થશે. રાષ્ટ્રીય શાળાનાં હોલમાં અનેક દરવાજા હોવાથી ફાયર એન.ઓ.સી માટેનો કોઇ પ્રશ્ન ઉભો થતો નથી.
ગાંધીજીનાં વિચારધારા સાથે સંકળાયેલા લોકો રાષ્ટ્રીય શાળાનાં ખાનગીકરણ થતું હોવાનો કચવાટ કરી રહ્યા છે. જોકે હાલની સ્થિતીને જોતા બેડની જરૂરીયાત પૂર્ણ કરવા તંત્ર પણ રાષ્ટ્રીય સ્મારકમાં હોસ્પિટલ ખોલવાની મંજૂરી આપી ચુક્યું છે. મહાનુભાવો જે પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરતા ત્યાં હવે કોરોના દર્દીઓની સારવાર ખાનગી હોસ્પિટલો કરશે.
વર્તમાન સ્થિતિને લડત આપવા મુખ્ય હથીયાર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જ છે: કોવીડ કેર સેન્ટર સંચાલક મનીષભાઈ રાવલ
રાષ્ટ્રીય શાળાનાં કોવિડ સેન્ટર સંચાલક મનીષભાઈ રાવલે જણાવ્યું કે આ સેન્ટર બે કે ત્રણ દિવસમા શરૂ થઈ જશે. હાલમાં લોકોને જે તકલીફ પડી રહી છે. તંત્રની સાથે ઉભા રહી કોશિષ કરીએ છીએ આ સાથે મને વિચાર આવ્યો કે ગાંધીજી હયાત હોય તો કંઈ રીતે લોકો માટે વ્યવસ્થા ઉભી થાય તે ધ્યાને લ્યે. હાલમાં સિવિલ સહિત ખાનગી હોસ્પિટલમાં પણ લાઈનો જોવા મળી છે. હાલમાં આપણા હાથનું હથીયાર હોયતો તે માસ્ક છે. શકય હોય તો એકની બદલે બે માસ્ક પહેરવા જોઈએ સોશ્યલ ડિસટન્સનું પાલન કરવું જોઈએ.
હાલની સ્થિતિમાં બનતા પ્રયાસો કરી તંત્રને મદદરૂપ થઈશું: રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ
રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે તંત્ર અત્યારે કોઈ પણ પરિસ્થિતિને પહોચી શકે તેમ નથી જેને ધ્યાનમાં રાખી સ્થાનિક ડો.મીહીર તન્ના સાથે કરાર કરી તેમને ઓકસીજન બેડ ધરાવતી જગ્યા આપવામા આવી છે. ખાસ હાલની સ્થિતિમાંથી ઉગારવા માટે દરેક વ્યકિત પોતાનું યોગદાન આપી રહ્યા છે. તો એજ રીતે અમારા દ્વારા પણ આ પ્રયાસ કરવામાં આવ્યો છે.