કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં આતંક મચાવી દીધો છે. વાઇરસના આ આંતકમાંથી મુક્ત થવા રસીકરણ ઝુંબેશ પણ વધુ તેજ બનાવાઇ છે. કોરોના સામે લડવા હવે માત્ર ઝડપી રસીકરણ જ એક માત્ર ઉપાય હોય તેમ આ મહાઅભિયાન વધુ વેગવંતુ બનાવવા સરકાર દોડતી થઈ છે. ત્યારે વાત કરીએ રસીકરણના આંકડાઓની તો દેશમાં સૌથી વધુ રસીકરણ ઉત્તર પ્રદેશમાં થયું છે અને ત્યારબાદ ગુજરાત બીજા નંબરે છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 1.61 મિલિયન લોકોને રસીના બંને ડોઝ અપાઈ ગયા છે તો ગુજરાતમાં 1.46 મિલિયન
લોકોને બંને ડોઝ અપાયા છે. યુપી, ગુજરાત બાદ ત્રીજા ક્રમે 1.43 મિલિયન લોકો સાથે રાજસ્થાન ત્રીજા તો 1.31 મિલિયન લોકો સાથે મહારાષ્ટ્ર ચોથા અને 1.17 મિલિયન લોકો સાથે પશ્ચિમ બંગાળ પાંચમા ક્રમે છે.
રસીકરણમાં સમગ્ર વિશ્વમાં અમેરિકા બાદ ભારત બીજા ક્રમે છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 76.38મિલિયન લોકોને રસીના બંને ડોઝ અપાઇ ચૂક્યા છે જ્યારે ભારતમાં 16.48 મિલિયન લોકોને “કોરોના કવચ” આપી સુરક્ષિત કરાયા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1.51 લાખ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોનું પ્રથમ ડોઝનું અને 14,79,244 લોકોનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.