ગુરૂદેવે અનેક દર્દીઓની હતાશાને દૂર કરવા વચનો ફરમાવ્યા: ઓનલાઈન માર્ગદર્શન પુરૂ પાડયું
સમગ્ર દેશ અને વિશ્વમાં જ્યારે હજારો-લાખો લોકો કોરોના મહામારીના પ્રકોપના કારણે ભય, હતાશા અને નિરાશાજનક પરિસ્થિતિથી ગ્રસિત થઈ રહ્યાં છે ત્યારે કોરોના પીડિત દર્દીઓને પોઝીટીવ બનાવી એમને ભયમુક્ત કરવાની રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની કરુણા ભાવનાથી લાઈવના માધ્યમથી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
પરમ ગુરુદેવના શ્રીમુખેથી માંગલિક વચનનું શ્રવણ કરવા તેમજ એમના આશીર્વાદ પામવા માટે આ આયોજનમાં અનેક ક્ષેત્રોનાં કોરોનાગ્રસ્ત દર્દીઓ જોડાયા હતાં.
હતાશા અને ભયથી ઘેરાયેલા કોરોના દર્દીઓની હિંમત અને ધૈર્ય વધારતા આ અવસરે પરમ ગુરુદેવે બોધ વચન ફરમાવતાં કહ્યું હતું કે, કોઈપણ સ્થિતિ, સમસ્યા કે દુ:ખ કદી કાયમ નથી હોતા. વ્યક્તિ એક ને એક દિવસ જવાનો જ હોય છે. પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં જે મનથી હારે છે તે તનથી પણ હારી જતા હોય છે, અને જે મનથી સ્ટ્રોંગ રહે છે તે તનથી પણ સ્ટ્રોંગ બની જતાં હોય છે. પરિસ્થિતિ ચાહે કેટલી પણ ખરાબ હોય પરંતુ આપણે હારવું નથી, આપણે જીતવાનું છે, આ દિવસો પણ વીતી જવાના જ છે. આ સમય હારી જવાનો સમય નથી પરંતુ કોરોનાને હરાવવાનો આ સમય છે. નમો અરિહંતાણં પણ આપણને એ જ શીખવી જાય છે કે, જે પોતાની વીકનેસ ને હરાવે છે તે જ અરિહંત છે.
આ સમયમાં આપણે આપણા વિચારોને પોઝીટીવ રાખીએ, કેમકે જેવું વિચારીએ એવું થાય. વિચારો પોઝીટીવ તો કોરોના નેગેટિવ. જે પરિસ્થિતિ આવી છે એની ચિંતા ન કરતાં પ્રભુ શરણ સ્વીકારીને બધી જવાબદારી પ્રભુને સોંપી દેવાની છે, મંત્રબળથી મનોબળને વધારીએ. જે નિયતિમાં છે તે થવાનું જ છે આપણે તેનો સ્વીકાર કરવાનો છે.
મૃતપ્રાય બની ગયેલા હૃદયમાં પણ ચેતનાનો સંચાર કરી દેનારા પરમ ગુરુદેવના આવા બોધ વચનો સાથે આ અવસરે અનેક કોરોના દર્દીઓએ પરમ ગુરુદેવ પાસે માર્ગદર્શન અને આશીર્વાદની યાચના કરતાં પરમ ગુરુદેવે સહુને અમૂલ્ય સમાધાન આપ્યું હતું.
પરમ ગુરુદેવના વચનોનું શ્રવણ કરીને કૃતકૃત્ય અને ગદગદ્ બનેલા કોરોના દર્દીઓને પરમ ગુરુદેવના શ્રીમુખેથી ધ્યાન સાધના અને માંગલિક વચનોના શ્રવણ સાથે આ અવસર અનેક કોરોના પોઝીટીવ દર્દીઓના મનને પોઝીટીવ બનાવી ગયો.