2000 જવાનોમાંથી હાલ 140થી પણ વધુ પોલીસ કર્મીઓ હોમ ક્વોરન્ટાઈન
રાજકોટમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. જેમાં હોવી પોલીસ કર્મચારીઓ પણ સપડાવા લાગ્યા છે. ડીસીપી ઝોન-2 બાદ હવે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ સહિત શહેરમાં કુલ 18 પોલીસ અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. હાલ 2000 જવાનોમાંથી 140થી વધુ પોલીસ હોમ ક્વોરન્ટાઈન હોવાનું સામે આવ્યું છે.રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પોઝિટીવ આવેલા વ્યક્તિઓ પોતાના ઘરે સારવાર મેળવવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. પરંતુ અમુક લોકો 14 દિવસ ઘરે રહેવાના બદલે અને પોતાનો રિપોર્ટ પોઝિટીવ હોવા છતા ઘરની બહાર નીકળે છે. જેના પગલે આવા લોકો પર નજર રાખવા પોલીસને જવાબદારી સોંપાઇ છે. પોલીસ કર્મચારીઓ આવા લોકોની ઘરે જઇને મોબાઇલ એપ ડાઉનલોડ કરાવે છે. આ કામગીરી દરમીયાન યુનિવર્સીટી રોડ પોલીસ મથકના 17 જવાનો કોરોનાગ્રસ્ત થયા છે. કોરોના સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇન થતા દર્દીઓ ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા સેફ રાજકોટ નામની મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જેની કામગીરી લાગતા વળતા વિસ્તારના પોલીસમથકનો સ્ટાફ કરી રહ્યો છે.
જાણવા મળ્યા મુજબ હોમ ક્વોરન્ટાઇન થયેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની તબિયત હાલ ચિંતાજનક નહીં હોવાનું જાણવા મળ્યું છે. હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને ચેક કરવાની કામગીરી જોખમી હોવા અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં ફ્રન્ટ વોરિયર તરીકે કામ કરતા પોલીસ કર્મચારીઓને આ કામગીરી માટે ટાર્ગેટ આપવામાં આવતા કચવાટ શરૂ થયો છે. જેને કારણે પોલીસ પરિવારના સભ્યો પણ ભયભીત થયા છે.