કોરોના મહામારીને કારણે ચારેકોર ભયાવહ સ્થિતિ ઉભી થઈ છે. દિનપ્રતિદિન કેસમાં ઝડપભેર વધારો થતાં મૃત્યુઆંક પણ વધ્યો છે. આવી કોરોના સંકટની પરિસ્થિતિમાં મહામારીના આ યુદ્ધમાં અસ્ત્ર મનાતા ઓક્સિજન અને રેમડેસીવીર ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે. આ અછતને પુરવા તંત્ર ઊંધા માથે થયું છે તો બીજી તરફ કાળાબજારીઓ બેફામ થયા છે. કપરી પરિસ્થિતિનો પણ લાભ ઉઠાવી ગીધડાઓ પૈસા કમાઈ લેવા મેદાને ઉતર્યા છે. આ પ્રકારના જ એક કૌભાંડનો રાજકોટમાં “અબતક”ની ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેને પગલે તંત્રએ હરકતમાં આવી હવે આગામી સમયમાં આવા કોઈ પ્રકારના કૌભાંડ ન બને અને કાળાબજારીઓ પર અંકુશ આવે તેમજ કોરોનાગ્રસ્ત દર્દીઓને પણ રાહત મળે એ માટે રાજકોટ કલેકટર રેમ્યા મોહન દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. જે અનુસાર કુંડલીયા કોલેજ ખાતે મધ્યસ્થ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ મધ્યસ્થ કાર્યાલયના શરૂ થવાથી રેમડેસીવીર ઇન્જેક્શન માટે દર્દીઓએ આમતેમ ભટકવુ નહીં પડે અને એક જ જગ્યાએથી ઈન્જેકશન મળી રહેશે.
હાલ અછતનો લાભ ખાટવા દર્દીઓ પાસેથી અનેકગણા પૈસા વસુલાય છે. એક એક રેમડેસીવીર ઈન્જેકશનના 10 10 હજાર પડાવી લેવાય છે આવી ગેરકાયદે પ્રવૃત્તિ પર રોક લગાવવા રાજકોટ વહીવટી તંત્રનો નિર્ણય વરદાનરૂપ સાબિત થશે. કોરોનાની મહામારીમાં વધતા જતા કેસોને ધ્યાને લઇને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ જરૂરિયાતવાળા દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન એક જગ્યાએથી સરળતાપૂર્વક મળી રહે તે માટે રાજકોટ કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મધ્યસ્થ કેન્દ્ર ચૌધરી હાઇસ્કૂલ નજીક આવેલી મીનાબેન કુંડલીયા કોલેજ ખાતે શરૂ કરવામાં આવ્યું છે.
આજથી શરૂ થયેલા આ કાર્યાલય ખાતે દર્દીઓ કે,દર્દીના પરિવાજનો રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે આવી શકતા નથી.આ માટે માત્ર ડોક્ટર અથવા હોસ્પિટલનો સ્ટાફ જ કાર્યાલયે આવી શકે છે. પરંતુ આજે દર્દીઓના પરિવાજનો ઉમટી પડતા લાબી કતારો લાગી હતી.અસમજંસના કારણે લોકોએ અગવળતા અનુભવી હતી.હવે આગામી સમયમાં આવી અગવડતા ઉભી ન થયા તે માટે તંત્ર દ્વારા ખાસ ધ્યાન રખાશે તમજ આવતી કાલથી 6 બારીઓના માધ્યમથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવેશે.
પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આજથી શરુ થયેલ વિતરણ કેન્દ્ર ખાતે 3000 રેમન્ડેસિવીર ઇન્જેક્શન જથ્થો ઉપલબ્ધ છે. તેમણે સ્પષ્ટતા કરી કે, ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવીર ઈન્જેક્શનની જરૂરિયાત મુજબ ડીમાન્ડ મૂકવાની રહેશે. જેમાં દાખલ દર્દીના કેસની વિગત, ડોક્ટરનું પ્રિસ્ક્રપશન, કેસની હિસ્ટરી, દર્દીના આધાર કાર્ડની નકલ તથા દર્દીનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ અચૂક આપવાનો રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેન્દ્ર સમગ્ર રાજકોટ જિલ્લાનું રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવાનું મધ્યસ્થ કેન્દ્ર બન્યું છે. જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ સમયે રેમડેસિવીર ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે સવારે 07 થી બપોરે 2, બપોરે 2 થી રાત્રે 10 અને રાત્રે 10 થી સવારે 07 વાગ્યા સુધી ત્રણ શિફ્ટમાં 24 કલાક કેન્દ્ર કાર્યરત રહેશે.
રાજકોટ જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ શહેરની ખાનગી હોસ્પિટલો કુલ 31 જેટલી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, નર્સિંગ હોમ તથા હોમ આઈશોલેશનમાં રહેલા દર્દીઓને કલેકટર ઓફિસના કંટ્રોલ રૂમ દ્વારા નક્કી કરવામાં આવે તે જ દર્દીઓને અહીંથી ઇન્જેક્શન મળી રહેશે. તેમજ રેમડેસિવીર ઇન્જેક્શનને સાચવવા માટે 30 ડિગ્રીથી નીચા તાપમાનમાં સ્ટોર કરવી પડે છે એ માટે ફ્રીજની સુવિધા પણ ઉપલબ્ધ છે. જે વ્યક્તિઓને આ ઇન્જેક્શન આપવામાં આવશે તેના નામ નંબર મુજબ તેમનું દરરોજનું રજીસ્ટર પણ નિભાવવામાં આવશે. મધ્યસ્થ કેન્દ્ર ખાતે ઇન્જેક્શન લેવા આવતા લોકો માટે બેસવાની સગવડતા તેમજ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી હોવાનું ગઢવીએ જણાવ્યું છે.