શહેરની કોવીડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, નવા દર્દીઓનો પ્રવાહ નિરંતર રહ્યો છે. ડોકટરો સતત અને નિરંતર જંગ લડી રહ્યા છે. છતાં પણ સ્થિત વધુ ને વધુ સ્ફોટક બનતી જાય છે. ત્યારે કલેકટરે બે ફોટા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી, નાગરીકોને અંતિમ અપીલ કરતો નિર્દેશ કર્યો છે કે બસ હવે, બહાર ન નીકળો, સ્વયં લોકડાઉન અપનાવી લ્યો, આ સ્થિત પર નિયંત્રણ મેળવવું હવે તમારા જ હાથમાં છે. નાગરિકોએ પણ હાલની સ્થિતિ સમજી ખરેખર વર્તમાન હાલતને સમજી કમસેકમ સ્વૈચ્છિક સાપ્તાહિક લોકડાઉન અપનાવવું જોઈએ તો જ આ અજગરી ભરડો દુર થશે અન્યથા ચિત્ર વધુ બિહામણું બનશે એમાં શંકાને સ્થાન નથી.
જામનગર શહેરની કોરોના હોસ્પિટલ દર્દીઓથી છલકાઈ ગઈ છે. જેનો ચિતાર હોસ્પિટલ પરિસરમાં સતત આવાગમન કરતી એમ્યુલન્સ પરથી મળે છે. હાલ 1450 બેડની આ હોસ્પિટલ હાઉસફૂલ છે. અને 1600 બેડ પણ ફૂલ થઈ ગયા છે.નવા દર્દીઓને સ્થાન આપી શકાય એવી કોઈ શક્યતા જ નથી. એમાય બહારના જીલ્લામાંથી જે પ્રવાહ હોસ્પિટલ તરફ ઢળ્યો છે ત્યારથી પરિસ્થિતિ નીયંત્રણ બહાર ચાલી ગઈ છે. ગઈ કાલે કલેકટરે નવી બેડની વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ બે તસ્વીર જાહેર કરી નાગરિકોને અપીલ કરી છે. જેમાં સ્પષ્ટ કર્યું છે કે હું જામનગરના લોકોને અપીલ કરું છું કે કોરોના પ્રોટોકોલને અનુસરો, નહિતર આપણે કોઈ સારવાર માટે સક્ષમ નહી રહી શકીએ, તબીબોએ આઠ-નવ દિવસથી આરામ પણ કર્યો નથી.
કોરોના કાળમાં કારગત નિવડતા ધન્વંતરી રથ શરૂ કરવા શહેરીજનોની માંગ
જામનગર પંથકને કોરોનાએ બાનમાં લીધુ હોઇ તેમ બીજી લહેર કાબુ બહાર થઇ ચુકી છે ત્યારે કોરોનાકાળમાં કારગત નિવડતા ધન્વંતરી રથ શરૂ કરાવવા લોકોમાં માંગ ઉઠી છે. જેવી રીતે ગત વર્ષે વકરેલા કોરોનાને કાબુમાં લેવા તંત્ર દ્વારા કમ્મર કસી ધન્વતરી રથ, બસ સ્ટેશને આવાગમ કરતા મુસાફરોના ટેસ્ટીંગ, સેનેટાઇઝેશન અનેક વિસ્તારોમાં ઉકાળા વિતરણ સહિતના યશસ્વી પગલાઓ લઇ કોરોનાને હંફાવવા કાબીલેદાદ કામગીરી કરાઇ હતી તે મુજબ હાલની સ્થિતિએ પણ યુધ્ધના ધોરણે આવી કામગીરી કરવી જરૂરી બની છે. ગત વર્ષે કોરોનાને કાબુમાં લેવા આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરાયેલા ધનવંતરી રથ આર્શીવાદરૂપ અને કારગત નીવડયા હતા. લોકોને ઘર આંગણે આરોગ્યની સેવા પ્રાપ્ત થાય તે માટે આયુષ ડોકટરો, પેરામેડીકલ સ્ટાફ, નર્સીંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર સહિતના નિષ્ણાંતોની ટીમ સાથે શહેરના જુદા-જુદા વોર્ડમાં ધનવંતરી રથ દોડતા કરવામાં આવ્યા હતા. ત્યારે આ ધનવંતરી રથ શરૂ કરાવવા લોકોમાં માંગ ઉઠી છે. બીજી તરફ કોરોનાને નાથવા પહેલી લહેર દરમ્યાન તંત્ર દ્વારા રોડ-રસ્તાઓ અને કચેરીઓમાં સેનેટાઇઝરનો છંટકાવ કરી રોગાણુમુકત કરવામાં આવતા જે પણ હાલની સ્થિતિએ શરૂ કરાયા નથી.