હોળીના દિવસે થયેલા ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ છરી વડે ઢીમ ઢાળી દીધું
ટીવી સિરીયલ અને મોબાઇલ બાળ માનસને ગુનાખોરી સુધી દોરી જાય
શહેરના ચુનારાવાડ, ટ્રેક્ટર ચોકમાં સરાજાહેર ભગવતીપરા, સુખસાગર સોસાયટીમાં રહેતા આયુષ પ્રકાશભાઇ બારૈયા નામના 16 વર્ષના તરુણની ચાર શખ્સે છરીના ચાર ઘા ઝીંકી હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હોળીના દિવસે મૃતક તરુણ તેના મિત્રો સાથે ઉજવણી કરવા ગયો હતો. આ સમયે ડેવિલ સોલંકીના ભાઇ સાથે કોઇ મુદ્દે બોલાચાલી થતા આયુષ અને તેના મિત્રોએ માર માર્યો હતો. તે બનાવનો ખાર રાખી ડેવિલ સોલંકી અને કેવલે આયુષને સમાધાન માટે ચુનારાવાડ ચોકમાં ફોન કરી બોલાવ્યો હતો. જેથી આયુષે તેના મિત્ર નીતિન વાઘેલાને વાત કરતા તે પણ તેની સાથે ગયો હતો. અલગ અલગ વાહનમાં બંને ચુનારાવાડ ટ્રેક્ટર ચોકમાં પહોંચતા અહીં રાહ જોઈ ઊભેલા ડેવિલ અને કેવલે ઝઘડો કરી માર મારવાનું શરૂ કરતો આદિત્ય ઘોરી અને પ્રશાંત વાઘેલા પણ ધસી આવ્યા હતા.
સમયે ડેવિલે આયુષ અને નીતિન પર હુમલો કરતા આયુષ ભાગવામાં અસફળ રહેતા તેને છરીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ચારેય શખ્સ નાસી ગયા હતા. જોકે, બનાવ વેળાએ જાન બચાવી નાસી ગયેલા નીતિને મોબાઇલ બાબતે ચાલતી માથાકૂટનું સમાધાન કરવા ડેવિલે આયુષને બોલાવ્યો હતો. જે બાબતે આયુષે પોતાને ફોન કરી વાત કરતા પોતે પણ સાથે આવે છે તેમ કહી તે પણ તેના વાહનમાં પહોંચ્યો હતો, પરંતુ ડેવિલ સહિતનાએ છરીથી હુમલો કરતા પોતે ત્યાંથી ભાગી જતા પછી શું બન્યું તે અંગે પોતાને ખબર નહીં હોવાનું કહ્યું છે.
થોરાળા પોલીસે નીતિનની પૂછપરછ શરૂ કરી છે. તરુણની હત્યા કરનાર ચાર આરોપી પૈકી બેને પોલીસે સકંજામાં લીધા છે. જ્યારે અન્ય બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ પકડાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે તેમ પોલીસ સૂત્રએ જણાવ્યું.