કોરોના વાઇરસની ચેઇન તોડવા 30 એપ્રિલ સુધી અમલ :રામનવમીએ શોભાયાત્રા પણ મોકુફ રાખવા નિર્ણય
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ચીંતાજનક સાબીત થઈ રહી છે અને કોરોના કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં કોરોના વાયરસની ચેઈન તોડવા અને સંક્રમણ અટકાવવા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જે મુજબ સમગ્ર રાજ્ય સાથે જીલ્લામાં આજથી આગામી 16 દિવસ સુધી તમામ ધાર્મિક સ્થળો, મંદિરો વગેરે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આજથી મંદિરો તેમજ ધાર્મિક સ્થળો શ્રધ્ધાળુઓ માટે સંપૂર્ણ બંધ રહેશે.
આગામી 30 એપ્રિલ સુધી કોરોના મહામારી અને સરકારની ગાઈડ લાઈનના ભાગરૂપે મંદિર સંપૂર્ણ બંધ રહેશે. જ્યારે વઢવાણ ખાતે આવેલ ગણપતિ ફાટસર મંદિર પણ આગામી તા.30 એપ્રિલ સુધી ભક્તો માટે બંધ રહેશે અને તે અંગેની જાણ મંદિરના મહંતશ્રી રામાશ્રેય બાપુ તેમજ લાલદાસ બાપુ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે દુધરેજ ખાતે આવેલ રબારી સમાજની ગુરૂ ગાદી એવા વડવાળા મંદિર તેમજ દેવસર મુકામે આવેલ નવું સુરજદેવળ મંદિર પણ આજથી આગામી તા. 30 એપ્રિલ સુધી શ્રધ્ધાળુઓ માટે સંપૂર્ણ બંધ રહેશે ત્યારે કોરોના મહામારીના કારણે જવાહરચોક સ્થિત મુળી તાબાનું શ્રી સ્વામીનારાયણ મંદિર પણ આગામી તા.30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં આગામી તા.21 એપ્રિલને રામનવમીના રોજ યોજાનાર ભગવાન સ્વામીનારાયણનો જન્મોત્સવની અને શોભાયાત્રા પણ મોકુફ રાખવામાં આવી છે. આચાર્ય મહારાજ કૌશ્લેન્દ્રપ્રસાદજીની આજ્ઞાાથી મંદિરના કોઠારી સ્વામી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુળી સ્વામીનારાયણ મંદિર પણ આગામી 30 એપ્રિલ સુધી બંધ રહેશે. આમ કોરોના વાયરસની વધી રહેલી મહામારી અને સરકારની ગાઈડલાઈન મુજબ જીલ્લાના તમામ મંદિરો તેમજ ધાર્મિક સ્થળો બંધ રહેશે.
જિલ્લાના એપીએમસી કેન્દ્રોમાં સ્વૈચ્છિક લોકડાઉન
કોરોના મહામારીનું સંક્રમણ વધતાં વેપારીઓ દ્વારા ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા, સાયલા સહિતના તાલુકાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે બીજી બાજુ જીલ્લાના સાયલા, ચોટીલા, વઢવાણ, મુળી, લીંબડી સહિતના એપીએમસી કેન્દ્રો પણ આગામી દિવસોમાં બંધ રહેશે અને આ અંગે ખેડુતો તથા વેપારીઓને જાણ કરવામાં આવી હતી.