સરકાર બેફામ નહીં બની શકે, ટેકનોલોજી ઉપર લગામ લાગશે
વડી અદાલતના નવ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે ગઈકાલે પ્રાઈવસીને નાગરિકોનો મૂળભૂત અધિકાર ગણાવતો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાનો અર્થ ઘણા સંદર્ભમાં થઈ શકે છે. પરિણામે વડી અદાલતના ચુકાદાની અનેક દુરોગામી અસરો પડશે.
ગઈકાલે ન્યાયાધીશ એસ.એસ.બોબડેએ માનવીને ગૌરવથી મૃત્યુ પામવા કેટલીક પ્રાઈવસી હોવી જરૂરી ગણાવ્યું હતું. ઉપરાંત જસ્ટીન નરીમાને પ્રાઈવસીને માનવ અધિકાર ગણાવ્યો હતો. બીજી તરફ સરકારે સુપ્રીમના ચુકાદાને આવકાર્યો છે. સરકારે કહ્યું છે કે, પ્રાઈવસી મૂળભૂત અધિકાર છે પણ તેના પર બંધારણમાં અપાયેલા અન્ય અધિકારની જેમ વ્યાજબી નિયંત્રણો હોવા જોઈએ. પ્રાઈવસીનો અધિકાર સંપૂર્ણ અધિકાર નથી અને તેને દરેક કેસના આધારે વ્યાખ્યાયીત કરવો જોઈએ.હવે વડી અદાલતના ચુકાદાથી સરકારના દરેક કાયદાને પ્રાઈવસીની કસોટીમાંથી પાર ઉતરવું પડશે. સરકારના દરેક કાયદાને રાઈટ ટુ પ્રાઈવસીના ચશ્માથી જોવામાં આવશે. નાગરિકોની અંગત માહિતી મંજૂરી વિના જાહેર થઈ શકશે નહીં. પ્રાઈવસીના ઉલ્લંઘનને નાગરિકો અદાલતમાં પડકારી શખ્સે પ્રાઈવસી બંધારણના આર્ટીકલ ૨૧ અંતર્ગત વ્યક્તિગત અને જીવનની સ્વતંત્ર્તાની આંતરીક બાબત છે. પરિણામે આ ચુકાદાની અસરો લાંબા ગાળાની રહેશે.
અદાલતના ચુકાદાથી ફરજિયાત આધારના નિયમો પર ઘેરી અસર
કેન્દ્ર સરકારે ૯૨ યોજનાઓના લાભ આપવા માટે આધાર ફરજિયાત બનાવ્યું હતું. સરકારના આ નિયમને મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા હતા. ગઈકાલે વડી અદાલતે આપેલા પ્રાઈવસીના ચુકાદા બાદ હવે આધાર મુદ્દે ચાલી રહેલા કેસમાં મોટી અસર થશે. આ કેસમાં સરકાર વિરોધી ચુકાદો આવશે તો સરકારની કલ્યાણ યોજનાઓ પર ઘેરી અસર થશે. આ મામલે નિષ્ણાંતો હવે સ્થાનિક ઓફિસોમાં પ્રાઈવસીના રક્ષણ માટે સર્વર ગોઠવવાની હિમાયત કરીરહ્યાં છે. હાલ તો કોર્ટે આધારની વેલીડીટી મામલે પાંચ સભ્યોની કમીટી રચી છે.
કોને શું ખાવું અને શું ન ખાવું તે વિવાદ વધુ ઘેરો બનશે
લોકોને શું ખાવું, કેમ રહેવું, શું પહેરવું તે અંગે રાઈટ ટુ પ્રાઈવસીના ચુકાદામાં અનેક અર્થ નિકળશે. છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ રહેલો ગૌમાંસનો મુદ્દો ફરીથી પ્રકાશમાં આવશે.વડી અદાલતના ચુકાદાના કારણે હવે લોકોને શું ખાવું અને શું પહેરવું તેના પર સરકારનું નિયંત્રણ રહેશેનહીં. સરકારે આવી બાબતોમાં સાબીત કરવું પડશે કે, તેમના દ્વારા એકઠી કરાયેલી માહિતી તર્કપૂર્ણદાયરામાં છે કે નહીં.
મારું “માથુ કોનું ?: હવે હેલમેટ પહેરાવવા માટે પણ કાયદો બનાવવો પડશે
વડી અદાલતને પ્રાઈવસી મુદ્દે આપેલો ચુકાદો મોદી સરકાર માટે પેંડોરા બોકસ સમાન છે.આ બોકસમાંથી અનેક અર્થ નિકળશે. ફરજિયાત હેલમેટનું ભૂત ફરી ધુણશે. સરકારે હવે લોકોને હેલમેટ પહેરાવવા માટે પણ અલગ કાયદો બનાવવો પડશે જેમાં તર્ક આપવા પડશે. હેલમેટ લોકોની સુરક્ષા માટે કેટલું જ‚રી છે તે સાબીત કરવું પડશે. પ્રાઈવસીના કાયદાનો સહારો લઈ લોકો આ મામલાને અનેક રીતે પડકારી શકશે.
સોશિયલ મીડિયામાં પ્રાઈવસી કેટલી શકય ?
રાઈટ ટુ પ્રાઈવસીના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપતા સુપ્રીમ કોર્ટે સંખ્યાબંધ અધિકારોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં ટેલીફોન ટેપીંગ તેમજ પર્સનલ ડેટાનું ઈન્ટરનેટ દ્વારા હેકિંગ પણ રાઈટ ટુ પ્રાઈવસીનો ઉલ્લેખ છે. સોશ્યલ મીડિયામાં મુકેલી વિગતો હવે કેટલી હદમાં ખાનગી રહેશે તે અંગે સરકારને ફેરવિચાર કરવાનો છે. લખાણ કે તસ્વીરની કોપી રાઈટનો ભંગ પણ રાઈટ ટુ પ્રાઈવસીના ચુકાદામાં ભેળવાઈ ગયો છે. ફેસબુક, ટવીટર કે ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મિડીયાના પ્રકારો અંગે સરકારે ફરીથી કાયદા બનાવવા પડે તેવી સ્થિતિ છે.