પોલીસ અને તબીબ સાથે સેટીંગ કરી ભુજ જેલમાંથી ફરાર થવાની ચકચારી ઘટનામાં બે ફોજદાર સહિત ચારની ધરપકડ થઇ’તી
ગોંડલ જેલમાં મહેલ જેવી સગવડ ભોગવતા નામચીન નિખીલ દોંગા સહિતના શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ભૂજ જેલ હવાલે કરાયા બાદ તેને પોલીસ અને તબીબો સાથે સેટીંગ ગોઠવી ભુજ જેલમાંથી ફરાર થવાની ઘટનામાં સંડોવાયેલા નિખિલ દોંગા સહિત દસની ધરપકડ કરી રિમાન્ડ પર મેળવ્યા હતા. તેઓના રિમાન્ડ પુરા થતા વધુ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા તા.12 એપ્રિલ સુધીના રિમાન્ડ પર સોપવા અદાલતે હુકમ કર્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ પંથકમાં અનેક ગુનામાં સંડોવાયેલા અને ગોંડલ જેલમાં મનમાની ચલાવતા નિખિલ દોંગા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ભૂજ જેલ હવાલે કરાયો હતો. જયા તેને જેલના તબીબ અને જાપ્તામાં રહેલા પોલીસ સ્ટાફ સાથે સાંઠગાંઠ રચી ભાગી જવાનો પ્લાન બનાવી ભૂજ હોસ્પિટલમાં દાખલ થયા બાદ ભાગી ઉતરાખંડના નૈનિતાલ ખાતેથી રાજકોટ એલસીબી, ભૂજ એલસીબી અને અમદાવાદ એટીએસની ટીમે ઝડપી લીધો હતો.
જેલમાંથી ભાગી જવાના ગુનામાં બે પીએસઆઇ અને બે પોલીસમેનની ધરપકડ કરાયા બાદ નિકુંજ ઉર્ફે નિખિલ તુલશી દોંગા, મોહિત ઉર્ફે મુંડા રમેશ સખીયા, પાર્થ ઉર્ફે લાલો બીપીન ધાનાણી, ભરત રામાણી, આકાશ આર્ય અને મેડિકલ રેકર્ડ ડેટાના મેનેજર વિજય વિઠ્ઠલ સાંઘાણીની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા હતા.
તમામની રિમાન્ડ પુરી થતા નિખિલ દોંગા, ભરત રામાણી, આકાશ આર્ય અને વિજય સાંઘાણીના વધુ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે ચારેય શખ્સોને તા.12 એપ્રિલ સુધી વધારે રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.