ફૂડ પેકેટ વિતરણનો કોન્ટ્રાકટ આપવાના બહાને ડિપોઝીટ પેટે એડવાન્સ લઇ કોન્ટ્રાકટ ન આપી ઠગાઇ કરી
કચ્છના ગાંધીધામ, મુન્દ્ર, નખત્રાણા અને સામખીયાળી પાંચ કેટરર્સના ધંધાર્થીઓને ફુડ પેકેટ વિતરણનો કોન્ટ્રાકટ આપવાના બહાને અમદાવાદના શખ્સે પાંચે પાસેથી રૂા.18 લાખ ડીપોઝીટ પેટે લઇ કોન્ટ્રાકટ ન આપી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામના ભારતનગરમાં રહેતાં પરેશ અશોકભાઇ નિમ્બાર્કે અમદાવાદના વાસણા રોડ પર ધરણીધર દેરાસરની બાજુમાં જયદીપ ટાવરમાં રહેતા હિરેન ઉર્ફે યશ વિજેન્દ્ર વૈધ સામે રૂા.18 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાધનપુર ખાતે જલારામ કેટરર્સના નામે ધંધો કરતા બકાભાઇ ઠક્કરે ગાંધીધામના પરેશભાઇ નિમ્બાર્ક સાથે મોબાઇલમાં વાત કરી અમદાવાદના હિરેન ઉર્ફે યશ વૈધે કચ્છમાં ફુડ પેકેટ વિતરણનો કોન્ટ્રાકટ આપવાનો હોવાની જાણ કરી હોવાથી પરેશ નિમ્બા અને તેના પિતા અશોકભાઇએ અમદાવાદ ખાતે હિરેન ઉર્ફે યશ વૈધનો સંપર્ક કરી રૂબરૂ મળ્યા હતા ત્યારે તેને સરકારી સ્કૂલોમાં કમ્પ્યુટર લેબ અને સંડાસ-બાથરૂમનું ક્ધટ્રકશન કરવાનો કોન્ટ્રાકટ મળ્યો છે. તેમના માણસો માટે જમવાની વ્યવસ્થા કરવા માટે કોન્ટ્રાકટ આપવાનું જણાવ્યું હતું.
ગાંધીધામ ખાતે આવેલા હિરેન વૈધે ફુડ પેકેટ વિતરણ માટે એક ફુડ પેકેટના રૂા.100 ભાવ નક્કી કરી ફુડ પેકીંગના મશીન અને જરૂરી મટીરીયલ માટે રૂા.4.50 લાખ ડિપોઝીટ મેળવી કોન્ટ્રાકટ રદ થશે તો 45 દિવસમાં રકમ પરત આપી દેવાનું જણાવ્યું હતું. તેમજ પોતાને નખત્રાણા, સામખીયાળી અને મુન્દ્રામાં પણ ફુડ વિતરણનો કોન્ટ્રાકટ આપવાનું જણાવ્યું હતું.
હિરેન વૈધની વાતમાં આવી પરેશ નિમ્બાર્કે રૂા.4.50 લાખ રોકડા ચુકવી દીધા હતા અને નખત્રણા માટે ભરતભાઇ જયંતીભાઇ પંડીયા, રાપરના પરેસભાઇ રામાણી, સામખીયાના અમીત ઠક્કર અને મુન્દ્રાના મેઘરાજ ડોસાનો સંપર્ક કરાવી ફુડ પેકેટ વિતરણનો કોન્ટ્રાક આપવાનુ જણાવતા તેઓએ પણ રૂા.3 લાખથી રૂા.4.50 લાખ એમ કુલ રૂા.18 લાખ હિરેન વૈધને આપી દીધા બાદ હિરેન વૈધે ફુડ પેકેટ વિતરણનો કોન્ટ્રાકટ ન આપી રકમ પણ પરત ન આપી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. હેડ કોન્સ્ટેબલ હિરેનકુમાર ચાવડાએ અમદાવાદના હિરેન વૈધ સામે ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.