સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ હાઉસ ફૂલ થતા પરિસ્થિતિનો તાગ મેળવવા તજજ્ઞ દ્વારા વોરિયર્સ તબીબોને જરૂરી માર્ગદર્શન અપાશે
ગાંધીનગર આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ મુલાકાત લેશે
વૈશ્વિક મહામારી કોરોનાની બેકાબુ બનેલી પરિસ્થિતીનો તાગ મેળવી કોરોના અસરગ્રસ્તોની સારવાર કરતા વોરિયર્સ તબીબોને જરૂરી માર્ગ દર્શન આપવા માટે દિલ્હી એઇમ્સની ટીમ રાજકોટ આવશે દર્દીઓની થઇ રહેલી સારવાર અંગે જાત માહિતી મેળવી જરૂરી સુચના કરનાર છે.
કોરોના બીજી લહેરમાં અમદાવાદ, સુરત અને બરોડા કરતા રાજકોટમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે રાજકોટ અને આજુબાજુના મોરબી અને ગોંડલ તેમજ ધોરાજી ખાતેની સરકારી અને ખાનગી હોસ્પિટલ હાઉસ ફુલ થઇ ગઇ છે.
કોરોના દર્દીઓનો રાફળો ફાટતા સંક્રમિત અટકે અને સારવાર લઇ રહેલા દર્દીઓ તાત્કાલિક સાજા થાય તે હેતુસર દિલ્હીની એઇમ્સની ટીમ દ્વારા રાજકોટની મુલાકાત લેવાનું નક્કી થયું છે.
દિલ્હી એઇમ્સની ટીમની સાથે ગાંધીનગરના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ જાડાનાર છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓ અને તબીબો પાસેથી જાત માહિતી મેળવી જરૂરી સલાહ સુચના આપશે આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ અને સારવાર આપી રહેલા તબીબો સાથે ચર્ચા કરનાર છે.
રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરતી દેખાઈ રહી છે. રોજના 400થી પણ વધુ પોઝિટિવ કેસ સાથે મૃત્યુદર પણ વધતા લોકોમાં ચિંતાનો વ્યાપ વધતો દેખાઈ રહ્યો છે. રાજકોટમાં હાલ કોવિડ હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. બેડ વધતાની સાથે જ દર્દીઓથી ભરાઈ ગયા છે.
સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ પોઝિટિવ દર્દીઓને દાખલ કરવા માટે લાંબી કતારો લાગી છે. એકાએક શહેરમાં કોરોનાનો રાફડો ફાટતા ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજકોટની મુલાકાતે દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
રાજકોટમાં એક તરફ પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ મૃત્યુદરમાં પણ વધારો થતાં તંત્રમાં દોડધામ મચી છે. ગઈ કાલે કોરોનાની સારવાર લઈ રહેલા વધુ 32 દર્દીઓના સારવારમાં મોત નિપજ્યા છે. એક તરફ વાયરસનો ફેલાવો અને બીજી તરફ મૃત્યુનું પ્રમાણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થિતિ અંગે દિલ્હીની એઇમ્સની ટીમ સાથે વાતચીત કરી હતી. જેના પગલે ટૂંક સમયમાં જ દિલ્હી એઇમ્સની ટીમ રાજકોટ આવશે અને આ સાથે ગાંધીનગરના આરોગ્ય વિભાગના પણ ઉચ્ચ અધિકારીઓ સાથે આવશે. દિલ્હી એઇમ્સની ટીમ અને ગાંધીનગરના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને રાજકોટ કોરોનાની સ્થિતિ વિશે સમીક્ષા કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી હોમટાઉન રાજકોટની મુલાકાત લીધા બાદ સમગ્ર કોરોનાની સ્થિતીનો તાગ મેળ્યો હતો. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, જયતિ રવિ અને આરોગ્ય સચીવ પણ રાજકોટ ખાતે આવ્યા હતા. રાજકોટમાં દિન પ્રતિ દિન કોરોના બીહામણુ સ્પરૂપ ધારણ કર્યુ છે. અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટ શહેરને પણ કોરોનાએ જાણે પોતાના વશમાં કર્યુ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં માટે એમ્બ્યુલસનેી લાંબી કતારો જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્મશાન પણ મૃતદેહને પણ અંતિમવિધિ માટે પરિવારજનોને ધણી રાહ જોવી પડી રહી છે.
કોરોનાની આવી કપરી પરિસ્થિતી સર્જાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી તજજ્ઞોને મુલાકાત માટે જણાવ્યુ હતું જેના કારણે હવે દિલ્હીથી એઇમ્સની ટીમ અને ગાંધીનગરથી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજકોટની મુલાકાત લેશે અને શહેરના આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા તબીબોને સ્થિતિ અંગે જરૂરી સુચનો આપશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પણ કોરોના બેકાબૂ રીતે ફેલાઇ રહ્યો છે ત્યારે સ્થિતિ પર અંકુશ લાવવા અને કોરોનાના વધતા કેસ સાથે મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે હવે દિલ્હી એઇમ્સની ટીમ મેદાને ઉતરી છે.