ટેકનોલોજી ઈનોવેશન માટે વિદ્યાર્થીઓને મળશે માર્ગદર્શન
સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રમાં 1 દશકથી પણ વધુ સમયથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) કાર્યરત છે. યુનિવર્સીટીની વિદ્યાર્થી વિકાસલક્ષી નીતિ અને વિવિધ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક સ્તર પર યુનિવર્સીટીને બિરદાવવામાં આવેલ છે. યુનિવર્સિટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને ઇનોવેશન કલ્ચરના વિકાસ માટે પણ વિશેષ રીતે કાર્યરત છે. જેને અનુલક્ષીને તાજેતરમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા જીટીયુ ખાતે ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર (ટીબીઆઈ) સેન્ટર શરૂ કરવા માટે રૂપિયા 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે , ઝઇઈંની મંજૂરી મળવાથી ટેક્નિકલ ઈનોવેશન ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ અને ઈનોવેટર્સને મેન્ટરીંગ સપોર્ટ, પ્રોટોટાઈપ, પ્રોજેક્ટ ડિઝાઈન અને આર્થિક રીતે પણ વિવિધ લાભો મળશે. જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ (જીઆઈસી) અંતર્ગત આગામી દિવસોમાં આ સેન્ટરનો શુભારંભ કરવામાં આવશે.
વધુમાં કેન્દ્ર સરકારના નીતિ આયોગ , મીનીસ્ટ્રી ઑફ એજ્યુકેશન અને ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા અનુક્રમે માન્યતા પ્રાપ્ત અટલ ઈન્ક્યુબેશન સેન્ટર (એઆઈસી) , ડિઝાઈન ઈનોવેશન સેન્ટર (ડીઆઈસી) અને ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર (ટીબીઆઈ) એમ ત્રણે સેન્ટર ધરાવતી સમગ્ર ભારતની એકમાત્ર યુનિવર્સિટી જીટીયુ છે. જીટીયુના કુલપતિ અને કુલસચિવ ડો. કે. એન. ખેર દ્વારા જીઆઈસીના ડાયરેક્ટર પ્રો. ડો. સંજય ચૌહાણ , જીટીયુ ઈનોવેશન સ્ટાર્ટઅપ સેન્ટરના સીઈઓ તુષાર પંચાલ અને પ્રો. રાજ હકાણીને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
ટીબીઆઈ સેન્ટર ખાતે આગામી દિવસોમાં ટેક્નિકલ ક્ષેત્રમાં કાર્યરત અનેક ઈનોવેટર્સને યુનિવર્સીટી દ્વારા ઓગ્મેન્ટેડ અને વર્ચ્યુઅલ રીયાલીટી, ડિપ લર્નિગ , મશીન લર્નીંગ, આઈઓટી, એમ્બેડેડ સિસ્ટમ વગરે ટેક્નોલોજી સંબધીત મહત્વના વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તેમજ આર્થિક રીતે પણ તેમના પ્રોજેક્ટને મદદરૂપ થશે. અગાઉ પણ જીટીયુ દ્વારા સ્ટાર્ટઅપકર્તા અને ઈનોવેટર્સ માટે સ્ટાર્ટઅપ ગુજરાત , એસએસઆઈપી, એઆઈસી, ડીઆઈસી અંતર્ગત કુલ 409 સ્ટાર્ટઅપ્સને 4.75 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વધુમાં ઇન્ડિયન પેટન્ટ ઓફિસ ખાતે યુનિવર્સિટીના સહયોગથી 142 વિદ્યાર્થીઓએ પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે. મંજૂર કરાયેલ 5 કરોડની ગ્રાન્ટ 3 ફેઝમાં આપવામાં આવશે. તાજેતરમાં પ્રથમ ફેઝમાં 93 લાખની ગ્રાન્ટ જીટીયુને ફાળવાઈ છે.