મહિલા કોર્પોરેટર આસિસ્ટન્ટ કમિશનરની ચેમ્બરમાં ધસી જતાં અધિકારીએ ગેટ આઉટ કહ્યું
શહેરમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં ચકાસણી માટે આવેલા દર્દીઓમાં સાત પોઝિટિવ આવવા છતાં ઘરે મોકલી દેવાયાના આક્ષેપ સાથે કોર્પોરેટર આસી. કમિશનરની ચેમ્બરમાં ઘુસી ગયા હતા. આ વખતે આસી. કમિશનર અને મહિલા કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
મહાનગરપાલિકામાં અન્ય કોર્પોરેટરથી અલગ જ રીતે રજૂઆત કરવાને લઈ જાણીતા મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ વધુ એકવાર અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. કોરોનાના કેસ મામલે મનપાના આસિસ્ટંટ કમિશનર અને વોર્ડ નંબર 4ના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આસિસ્ટંટ કમિશનરની ચાલુ બેઠકે જ કોર્પોરેટર ઓફિસની અંદર ઘૂસી જતા અધિકારીએ બહાર નીકળી જવા કહ્યું હતું. જેથી કોર્પોરેટરે કહ્યું હતું કે, ’ગેટ આઉટ ગેટ આઉટ કોને કરશ, બહાર નથી જવું’.
શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે મનપાના આસિસ્ટંટ કમિશનર ડો. ભાર્ગવ ડાંગરની અન્ય અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિને લઈ બેઠક ચાલી રહી હતી. આ સમયે જ વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ઓફિસમાં આવી પહોંચ્યા હતા. રચનાબેને આક્ષેપ કરતા કહ્યું હતું કે, હોસ્પિટલમાં કોરોનાના સાત દર્દીઓ પોઝિટિવ આવ્યા હોવા છતા તેઓને ઘરે મોકલી દેવામા આવે છે. કોરોના મુદ્દે બેઠક ચાલુ હોય આસિસ્ટંટ કમિશનરે કહ્યું હતું કે, બેઠક બાદ હું મુલાકાત આપીશ. તો બીજી તરફ મહિલા કોર્પોરેટર પોતાની રજૂઆત માટે અડગ રહ્યા હતા અને અધિકારીની ઓફિસમાં ખુરશી પર બેસી જઈ રજૂઆત કરી હતી.
જેના કારણે અધિકારી કહ્યું હતું કે, તમે આ બધુ મીડિયા માટે કરી રહ્યા છે. અધિકારીએ કોર્પોરેટરને ઓફિસ બહાર જવાનું કહ્યું હતું પણ કોર્પોરેટરે ઓફિસ બહાર જવાનો ઈન્કાર કરી દીધો હતો.
મહિલા કોર્પોરેટરનું અધિકારીએ અપમાન કર્યાનો વિપક્ષનો આક્ષેપ
આસિસ્ટન્ટ કમિશનર ડો. ભાર્ગવ ડાંગર અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ વિપક્ષે કમિશનરને આવેદનપત્ર પાઠવી તેની કચેરી સામે જ ધરણા યોજ્યા હતા. મહિલા કોર્પોરેટરનું અપમાન કરનાર અધિકારી સામે પગલાં લેવાની વિપક્ષે માગ કરી છે.