કોરોનાના કેસ આવતા તંત્ર સફાળું જાગ્યું : ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવાનો નિર્ણય
રાજકોટમાં સરકારી કચેરીઓ તેમજ સંસ્થાઓના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ હવે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે. જેથી હવે માર્કેટિંગ યાર્ડમાં માસ્ક વગર નો એન્ટ્રી જાહેર કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન સહિતની કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા. જેનું પરિણામ હવે સામે આવ્યું છે, યાર્ડના બે વેપારી અને બે કમિશનર એજન્ટ સહિત ચાર વ્યકિત કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. જેના પગલે માર્કેટિંગ યાર્ડમાં માસ્ક વિના એન્ટ્રી કરવા દેવામાં આવશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં મળતી માહિતી અનુસાર મુજબ હાલમાં યાર્ડના બે વેપારીઓ અને કમિશન એજન્ટો સહિત ચાર વ્યકિત કોરોના સંક્રમિત થયાનું જાણવા મળે છે.યાર્ડમાં કોરોના ટેસ્ટની કોઈ વ્યવસ્થા નથી પરંતુ જેમને લક્ષણો જણાય તે બારોબાર ટેસ્ટ કરાવી લેતાં હોય છે અને પોઝિટિવ આવે તો પછી હોમ આઈસોલેટ કે હોસ્પિટલાઈઝ થઈ જતા હોય છે. જેના પગલે આવતીકાલથી માસ્કના નિયમની કડક અમલવારીનો પ્રારંભ અહીં થઈ રહ્યો છે.