હાઇકોર્ટના તમામ વિભાગોને રજા દરમિયાન સેનેટાઇઝ કરાશે
કોરોના સંક્રમણ વધતા હાઇકોર્ટ પાંચ દિવસ બંધ રહેશે. હાઇકોર્ટ 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બંધ રહેશે. આ દરમિયાન હાઇકોર્ટને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
કોરોના સંક્રમણ ફેલાવાને કારણે અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. હાઇકોર્ટ પરિસરમાં પણ કોરોના પોઝિટિવના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેને કારણે હાઇકોર્ટ, જ્યુડિશિયલ એકેડમી, ઓડિટોરિયમ અને ઓફિસો, આખા પરિસરની સફાઇ અને સ્વચ્છતાની સંપૂર્ણ કવાયત હાથ ધરવાની જરૂર છે. જેને કારણે મુખ્ય ન્યાયાધીશે સોમવારે એટલે કે 12 એપ્રિલના રોજ હાઇકોર્ટના સમગ્ર પરિસરને સફાઇ અને સ્વચ્છતાની કવાયત હાથ ધરવા હાઇકોર્ટ અને તેની રજિસ્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
શનિવાર-રવિવાર હોવાને કારણે હાઇકોર્ટ બંધ રહેતી હોય છે તો બીજી તરફ 13 અને 14 તારીખે ચેટિચાંદ અને આંબેડકર જયંતી હોવાને કારણે હાઇકોર્ટ બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા હાઇકોર્ટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવાની હોવાથી ચીફ જસ્ટિસ દ્વારા હાઇકોર્ટને વધુ એક દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, આમ આ રીતે ગુજરાત હાઇકોર્ટ 10થી 14 એપ્રિલ સુધી બંધ રહેશે.