ગુજરાત યુનિવર્સિટીએ પણ 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા સ્થગિત રાખી
રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાનાં કેસો એકાએક વધતાની સાથે જ ભયની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 15મી એપ્રિલથી શરૂ થનારી રીપીટર સેમ-1 થી 6ની પરીક્ષા મોકૂફ રાખી છે. ઉપરાંત અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનાં કેસો હોય ગુજરાત યુનિવર્સિટીએ પણ હાલની સ્થિતિ જોતા 12 અને 23મી એપ્રિલથી યોજાનારી પરીક્ષા સ્થગિત કરી દીધી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના જણાવ્યા મુજબ કોરોનાનું સંક્રમણ વધતા સુરક્ષાના ભાગરૂપે હાલ પૂરતી તમામ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે અને યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે લાઈબ્રેરી પણ બંધ કરવામાં આવી છે જો કે જે વિદ્યાર્થીઓને પુસ્તક બદલવાના હશે તે પુસ્તક બદલી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવાર સાંજ વોક માટે આવતા લોકોનો મેળાવળો જામ્યો હોય છે ત્યારર એકબાજુ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. અને હવે કર્ફયુ પણ રાતે 8 વાગ્યાથી લાગી જશે. જેને ધ્યાને લઈને હવે વોક વે પણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.
વર્ષ 2016 પહેલાના નાપાસ વિદ્યાર્થીઓની સંભવત પરીક્ષા આગામી તા. 15 એપ્રિલથી પરીક્ષા લેવાનું જાહેર કરવામાં આવ્યું હતું જો કે હવે કોરોનાનાં કેસો વધતા આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અને ગુજરાત યુનિવર્સિટીએ પણ આગામી 12 એપ્રિલથી શરૂ થતી પરીક્ષા સ્થિગીત રાખી છે.