મહાનગરોમાં હોસ્પિટલો ફૂલ થઈ જતા વધુ કોવિડ હોસ્પિટલો ખોલવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક નિર્ણય લીધો છે.ગતરોજ ’અબતક’ દ્વારા કોવિડ હોસ્પિટલોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં માલુમ પડ્યું હતું કે રાજકોટની એક પણ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હતા. જેની જાણ થતા જ તુરંત સીએમઓ પણ હરકતમાં આવ્યું હતું. આ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનશીલ નિર્ણય લઈને તાત્કાલિક કોરોનાગ્રસ્ત દર્દીઓની અગવડતા દૂર કરવા કોવિડ કેર સેન્ટરો વધારવાની સૂચનાઓ જાહેર કરી હતી. વધુમાં ‘અબતક’ દ્વારા તબીબોનો અભિપ્રાય લેવામાં આવતા તબીબોનો પણ એક જ સુર રહ્યો હતો કે કોવિડ સેન્ટરોની સંખ્યામાં વધારો કરવામાં આવે.
8મીએ વડાપ્રધાન કરશે મુખ્યમંત્રીઓ સાથે પરામર્શ
વધતા જતા કોરોના સંક્રમણને પગલે વડાપ્રધાન મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગુરુવારના રોજ પરામર્શ કરનાર છે. મહત્વપૂર્ણ બાબત છે કે, સોમવારે ફક્ત એક દિવસમાં ભારતમાં એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જેના પરિણામે ભારત વિશ્વમાં અમેરિકા બાદ બીજો દેશ બન્યો છે જેમાં એક લાખથી વધુ કેસ દરરોજ નોંધાઇ રહ્યા હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને આવતીકાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સ્થિતિ તેમજ વેક્સિનેશન ડ્રાઈવ અંગે પરામર્શ કરનાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ કોરોનાની બીજી લહેરને તાત્કાલિક કાબૂમાં લેવા ઘટતું કરવા આદેશો આપ્યા છે. નોંધનીય છે કે, રવિવારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી તેમજ આ પરિસ્થિતિને પહોંચી વળવા ઘટતું કરવા આદેશો પણ આપ્યા હતા. હાલ દેશભરના કુલ 11 રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ ખૂબ વધારે છે જેની ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. 11 રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, દેશભરના કુલ એક લાખ કેસોમાંથી ફક્ત મહારાષ્ટ્રમાં જ આશરે 60 હજાર જેટલા કેશો દૈનિક ધોરણે નોંધાઇ રહ્યા છે.
ફક્ત ચાર સપ્તાહમાં કોરોના મૃત્યુઆંકમાં 345%નો ઉછાળો
કોરોના સંક્રમણની સ્થિતિ દિનપ્રતિદિન વધી રહી છે. તેના આધારે હાલના તબક્કે સરેરાશ ગણવામાં આવે તો જે રીતે દરરોજના કેસ નોંધાઈ રહ્યા છે અને બીજી બાજુ જે રીતે સંક્રમણને કારણે દર્દીઓના મોત નીપજી રહ્યા છે ત્યારે 8 માર્ચથી આજ સુધીના સમયગાળાની જો વાત કરવામાં આવે તો અગાઉની સાપેક્ષે કોરોના સંક્રમણથી થતાં મૃત્યુમાં આશરે 345 ટકાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાં અગાઉ દૈનિક ધોરણે આશરે 96 દર્દીઓના મોત કોરોનાને કારણે થઈ રહ્યા હતા પરંતુ 8 માર્ચથી દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંકમાં ધરખમ વધારો નોંધાયો છે. કોરોનાને કારણે 8 માર્ચથી 4 એપ્રિલ સુધીમાં દરરોજના 425 થી પણ વધુ દર્દીઓના મોત નોંધાઇ રહયા હોવાનું સામે આવ્યું છે. ગત સપ્તાહમાં 2974 જેટલા દર્દીઓના મોત નિપજ્યા હતાં જે અગાઉના મોતની સંખ્યા ના 59 ટકા વધુ છે.
રાજ્યમાં રક જ દિવસમાં 3 હજારથી પણ વધુ કેસો નોંધાયા
કોરોના સંક્રમણથી ગુજરાત પણ બાકાત રહી શક્યું નથી. હાલ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે જો વાત કરવામાં આવે તો દરરોજ ત્રણ હજારથી પણ વધુ કેસ રાજ્યમાં નોંધાઈ રહ્યા છે. સોમવારે રાજ્યમાં 3160 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ સીવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો ગત 9 દિવસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 899 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ થયા છે. જેમાંથી 95% દર્દીઓએ કોરોનાનો ડોઝ લીધો નથી.અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. જે પી મોદીના જણાવ્યા અનુસાર કુલ દાખલ કરાયેલા 899 દર્દીઓમાંથી ફક્ત 97 દર્દીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો જ્યારે 21 દર્દીઓએ રસીના બે ડોઝ લીધા છે. ડોક્ટર મોદીએ વધુમાં કહ્યું હતું કે, જે માહિતી મળી રહી છે તે મુજબ કહી શકાય કે જે લોકો વેક્સિનેશન લઈ ચૂક્યા હોય તેમને કોરોના થવાની સંભાવના ખૂબ જ ઓછી રહેતી હોય છે. જેથી સૌ કોઈએ વેક્સિનેશન લઈને પૂર્ણા સામે કવચ મેળવવું જોઈએ.