મ્યુ. ઈમારતો બાદ રસ્તા રીપેરીંગ કામોને બહાલી

રોડ સાઈડમાં વાવેલા વૃક્ષોને પાણી પાવા માટે 12.5 લાખ ખર્ચાશે: વ્યક્તિ સંસ્થા વૃક્ષારોપણ માટે માગણી કરશે તો અડધી કિંમતે ટ્રી ગાર્ડ ફાળવાશે

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂ.578.97 લાખના કામને લીલીઝંડી અપાઇ છે. જામ્યુકોની ઇમારતોની મરામત, ગટરના કામ, ખોદાકામ બાદ માર્ગ રીપેરીંગ માટે રૂ.2.20 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. માર્ગો પર ટ્રી પ્લાન્ટેશનમાં ટેન્કરથી પાણી પીવડાવવા માટે રૂ.12.5 લાખ ખર્ચાશે. મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક સોમવારે ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ડેપ્યુટી મેયર તપન પરમાર, ડીએમસી બી.કે. વસ્તાણી અને 11 સદસ્ય ઉપસ્થિત રહ્યાં હતાં.

બેઠકમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત સિવિલ વેસ્ટ, ઈસ્ટ, નોર્થ, સાઉથ અને સેન્ટ્રલ ઝોનમાં મનપાની ઇમારતોના રીપેરીંગ માટે પાંચ-પાંચ લાખ મળી કુલ રૂ. 25 લાખનો વાર્ષિક ખર્ચ નક્કી કરાયો હતો. કેબલીંગ, ગેસ પાઈપલાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલા ટ્રેન્ચમાં રોડ સ્ટ્રેન્થનીંગ (ચરેડા) કરવાના વાર્ષિક કોન્ટ્રાક્ટ અન્વયે સિવિલ ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, નોર્થ ઝોન, સેન્ટ્રલ ઝોન અને સાઉથ ઝોન માટે દરેક ઝોન દીઠ રૂ.10 લાખ મળી કુલ રૂ.50 લાખનું વાર્ષિક ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.

ઈસ્ટ ઝોનના વોર્ડ નં. 10, 11, 12માં ગટરના સ્ટ્રેન્ધનીંગ અને અપગ્રેડેશન કામ માટેની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. આ ઉપરાંત ચારેય ઝોનમાં ગટરના કામ માટે રૂ.20-20 લાખ મળી કુલ રૂ. 80 લાખનું વાર્ષિક ખર્ચ મંજુર કરાયું હતું. સ્ટ્રેન્ધનીંગ કેનાલ-બ્રીજના વાર્ષિક કોન્ટ્રાકટ માટે સિવિલ સેન્ટ્રલ ઝોનમાં રૂ.5 લાખ અને વેસ્ટ ઝોનમાં રૂ.5 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. વોર્ડ નં.10, 11, 12, 8, 15, 16, 2, 3, 4 માં વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી પ્લાન્ટેશનને પાણી પીવડાવવા રૂ.7.50 લાખ અને વોર્ડ નં.1,6,7, 5, 9, 13, 14 માં વાર્ષિક રૂ.5 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. શહેરના વોર્ડ નં.1 થી 16માં કંપનીઓ દ્વારા કેબલ લેઈગ, ગેસ પાઈપલાઈન, વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલા ટ્રેન્થમાં આલ્ફાસ્ટ સ્ટ્રેન્ધનીંગ કરવામાં કામ માટે વાર્ષિક રૂ.75 લાખનું ખર્ચ મંજુર કરાયો છે. શહેરના ચારેય ઝોનમાં ભૂગર્ભ ગટરનાં નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ માટે રૂ.20-20 લાખ મંજૂર થયા છે. કોમ્પ્યુટર શાખાના વાર્ષિક મેન્ટન્સ ફોર નેટવર્ક સર્વર, રાઉટર વગેરેના વાર્ષિક ખર્ચ માટે રૂ.28.75 લાખ, સીસીટીવીના વાર્ષિક મેન્ટન્સ કામ માટે રૂ.6 લાખ, કોમ્પ્યુટર હાર્ડવેર કામ માટે રૂ.11.43 લાખ, લીકવીડ કલોટીન ટર્નર ખરીદી માટે વાર્ષિક રૂ.6.07 લાખ, વોટર વર્કસ શાખા માટે પીએસી 10 ટકાની ખરીદી માટે રૂ.37.22 લાખનો ખર્ચ મંજૂર થયો છે. સભ્ય દીટ 10-10 અને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનને 25-25 ટ્રી-ગાર્ડ ફાળવવા અને કોઈ સંસ્થા વૃક્ષારોપણ માટે માંગણી કરશે તો 50 ટકા રકમ વસુલ કરીને મહત્તમ 25 નંગ ટ્રીગાર્ડ ફાળવવા નિર્ણય કરાયો હતો. શહેરમાં નવી વિકસીત સોસાયટીઓમાં સફાઈ કામદારો માટે રૂ.90 લાખનો વાર્ષિક ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. જયારે નાયબ કાર્યપાલક ઈજનેર (ઈલેકટ્રીક)ની કોન્ટ્રાકટ બેઈઝની મુદ્દત 11 માસ વધારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.