ભારતના 60 લાખથી વધુ વપરાશકર્તાઓની વિગતો લીક થયાના અહેવાલથી ખળભળાટ!!
ફેસબુક યુઝર્સની મોટી સંખ્યામાં ડેટા લીક થયાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર, 533 મિલિયન(53 કરોડ) ફેસબુક વપરાશકર્તાઓની વ્યક્તિગત વિગતો ઓનલાઇન લિક થઈ છે, જેને હેકિંગ ફોરમ પર નિશુલ્ક પોસ્ટ કરવામાં આવી છે. લીક વિગતોમાં વપરાશકર્તાઓનું નામ, લિંગ, વ્યવસાય, વૈવાહિક અને સંબંધની સ્થિતિ, કાર્યસ્થળ શામેલ છે. અસરગ્રસ્ત વપરાશકર્તાઓ ભારત સહિત 100 થી વધુ દેશોના છે.
આ ડેટાબેઝને પ્રથમ વખત 2019 માં લીક કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર શોધ દીઠ 20 ડોલરના ના દરે વેચવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ ફેસબુકે કહ્યું હતું કે, કંપનીએ આ સમસ્યાને ઠીક કરી દીધી છે. પરંતુ જૂન 2020માં અને ફરીથી જાન્યુઆરી 2021 માં આ ડેટાબેઝ લીક થઈ ગયો હતો. આ કેસ સૌપ્રથમ સાયબર સિક્યુરિટી ફર્મ હડસન રોકના સહ-સ્થાપક અને મુખ્ય તકનીકી અધિકારી એલોન ગેલ દ્વારા બહાર આવ્યો હતો. હવે ગેલે ફરી એક વખત લીક થયેલી ડેટાબેસ માહિતી શેર કરી છે.
તાજેતરના લીક થયેલા ડેટાબેસ મુજબ, અફઘાનિસ્તાનના 5.5 મિલિયન, ઓસ્ટ્રેલિયાના 1.2 મિલિયન, બાંગ્લાદેશના 3.8 મિલિયન, બ્રાઝિલના 8 મિલિયન અને ભારતના 6.1 મિલિયન વપરાશકર્તાઓનો સમાવેશ થાય છે. જે કેટલાક હેકિંગ ફોરમમાં મફતમાં સૂચિબદ્ધ છે. ગેઇલનું માનવું છે કે, જો કોઈ વ્યક્તિનું ફેસબુક પર એકાઉન્ટ હોય તો સંભવ છે કે, તેની વિગતો લીક થઈ ગઈ છે.
છેલ્લા 10 દિવસમાં ભારતમાં ડેટા લીક થવાનો આ બીજો કેસ છે. અગાઉ તાજેતરમાં જ લોકપ્રિય મોબાઇલ પેમેન્ટ અને ડિજિટલ વોલેટ કંપની મોબીક્વિકના 100 મિલિયન વપરાશકર્તાઓનો ડેટા લીક થવાના અહેવાલો પણ આવ્યા હતા. જોકે મોબીક્વિકે ડેટા લીક થવાના અહેવાલોને નકારી કાઢતાં કહ્યું હતું કે, તેને હજી સુધી આ સંદર્ભમાં કોઈ પુરાવા મળ્યા નથી.