રાજકોટમાં શુક્રવારે એક જ દિવસમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 262 કેસો મળી આવતા શહેરભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. પોઝિટિવીટી રેટ 4 ટકાને પાર થતાં આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. દરમિયાન આજે બપોર સુધીમાં કોરોનાના વધુ 80 કેસો મળી આવ્યા છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. બપોર સુધીમાં 5892 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
ગઈકાલે દિવસ દરમિયાન 6528 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 262 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધુ હોવાનો રેકોર્ડ નોંધાયો છે. ગઈકાલે 122 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. શહેરમાં રાત્રી કરફર્યુ અમલમાં હોવા છતાં કોરોના કેડો મુકવાનું નામ લેતો નથી. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં વધુ 80 પોઝિટિવ કેસો મળી આવ્યાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. આ સાથે કુલ કેસનો આંક 19614એ પહોંચી જવા પામ્યો છે. જે પૈકી 18218 લોકો કોરોનાને મહાત કરવામાં સફળ રહ્યાં છે. રીકવરી રેટ દિન-પ્રતિદિન સતત ઘટી રહ્યો છે. એક તબક્કે 98 ટકાને પાર પહોંચી ગયેલો રીકવરી રેટ હાલ 93 ટકાએ આવી ગયો છે. જેની સામે પોઝિટિવીટી રેટ સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જેટલા કેસો નોંધાય છે તેમાંથી 50 ટકાથી વધુ કેસ રાજકોટ શહેરમાં નોંધાઈ રહ્યાં છે.
કોરોનાને નાથવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યાં છે.