કોર્પોરેશન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઈડબલ્યુએસ-1 કેટેગરીના 1648, ઈડબલ્યુએસ-2 કેટેગરીના 1676 અને એમઆઈજી કેટેગરીના 847 સહિત કુલ 4171 આવાસનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. આ આવાસ માટે આગામી સોમવારથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે. 30મી એપ્રીલ સુધી લાભાર્થીઓએ ફોર્મ મેળવી પરત કરવાનું રહેશે. ફોર્મ આઈસીઆઈસીઆઈ બેંકની છ શાખાઓ અને મહાપાલિકાના તમામ સિવિક સેન્ટરો પરથી મળશે. આ વખતે લાભાર્થીએ ફોર્મ ભરતી વખતે ભાડા કરાર રજૂ કરવાનો રહેશે નહીં.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદીપભાઈ ડવ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ અને હાઉસીંગ કમીટીના ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાલ શહેરના વેસ્ટઝોનના વોર્ડ નં.11 અને 12માં વાવડી અને મવડી વિસ્તારમાં પુનિતનગર, પાણીના ટાકા સામે અને સ્પીડવેલ પાર્ટી પ્લોટથી કણકોટ રોડ તરફ સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટવાળી શેરીમાં ઈડબલ્યુએસ-1 કેટેગરીના 1648, વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.11 અને 12માં પુનિતનગર પાણીના ટાકા સામે, પુનિતનગર પાર્ક પાસે, પાળ ગામ રોડ પર સેલેનીયમ હાઈટ્સ સામે અને મવડી કણકોટ રોડ પર ક્રિષ્ટલ હેવનની પાછળ ઈડબલ્યુએસ-2 કેટેગરીના 1676 આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. જ્યારે વોર્ડ નં.1,10,11માં હેવલોક એપાર્ટમેન્ટની સામે, નાના મવા રોડ પર, વિમલનગર મેઈન રોડ પર, દ્વારીકા હાઈટ્સની સામે ઓસ્કાર ગ્રીન સિટીની બાજુમાં જ્યારે મવડીથી પાળ ગામ રોડ તરફ સેલેનીયમ હાઈટ્સની સામે એમઆઈજી કેટેગરીના 1268 આવાસ પૈકી 847 આવાસો ખાલી છે જેની ફાળવણી માટે આગામી સોમવારથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે. 30મી એપ્રીલ સુધીમાં અરજદારોએ ફોર્મ મેળવી પરત કરવાનું રહેશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકાના તમામ સિવિક સેન્ટરો ઉપરાંત આસીઆઈસી બેંકની શારદા બાગ બ્રાંચ, પેલેસ રોડ બ્રાંચ, રણછોડનગર બ્રાંચ, નિર્મળા રોડ બ્રાંચ, એસ્ટ્રોન ચોક બ્રાંચ અને નાણાવટી ચોક બ્રાંચ ખાતેથી ફોર્મ મેળવી શકાશે અને પરત કરી શકાશે. ઈડબલ્યુએસ-1 પ્રકારના આવાસની કિંમત રૂા.3 લાખ છે. ફોર્મ સાથે 3 હજારની ડિપોઝીટ ભરવાની રહેશે. જ્યારે ઈડબલ્યુએસ-2 કેટેગરીના આવાસની કિંમત રૂા.5.50 લાખ છે અને તેની સાથે 10,000 ડિપોઝીટ ભરવાની રહેશે. એમઆઈજી પ્રકારના આવાસની કિંમત 24 લાખ છે જેની સાથે 20,000 ડિપોઝીટ ભરી શકાશેે. પરિવારની વાર્ષિક 3 લાખની આવક હોય તે લોકો ઈડબલ્યુએસ-1, વાર્ષિક 3 લાખથી વધુની આવક હોય તે ઈડબલ્યુએસ-2 અને 6 થી 7.5 લાખ સુધીની આવક હોય તે એમઆઈજી કેટેગરી માટે ફોર્મ ભરી શકશે. સવારે 10:30 થી 3 વાગ્યા સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે. ફોર્મ લેવા આવનાર અરજદારે પોતાની સાથે આધારકાર્ડ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.
લાભાર્થીઓને ભાડા કરારમાંથી અપાઈ મુક્તિ
મહાપાલિકા દ્વારા અત્યાર સુધી આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી ભાડા કરાર લેવામાં આવતું હતું. આગામી સોમવારથી 4171 આવાસ માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવાસ યોજનાનું ફોર્મ ભરનાર અરજદારે ભાડાકરારની કોપી રજૂ કરવી પડશે નહીં. અગાઉ ભાડા કરારની કોપી લેવાના નિર્ણયના કારણે લાભાર્થીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની વાત ધ્યાનમાં આવતા હવે લાભાર્થીએ ભાડા કરારની મુક્તિ જાહેર કરવામાં આવી છે. જો કે ફોર્મ લેતી વેળાએ આધારકાર્ડ ફરજિયાત સાથે લાવવા જણાવવામાં આવ્યું છે.