રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમે આજથી વિદ્યાર્થી માટે પુજા કાઉન્સીલીંગ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આજે ન્યુએરા સ્કૂલ ખાતે કાઉન્સીલીંગ સેન્ટરનો પ્રારંભ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વર્ચ્યુઅલ હાજરી આપી કર્યો હતો. આ કાર્યક્રમમાં ‘અબતક’ દ્વારા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને માસ પ્રમોશનને લઈ પ્રશ્ર્ન પુછયો હતો જેમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, માસ પ્રમોશનને લઈ આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાથે પરામર્શ કરી નિર્ણય કરવામાં આવશે. હાલ તો કોરોનાના કેસ જે રીતે વધી રહ્યાં છે તે મુજબ માસ પ્રમોશન આપવું જરૂરી છે. જો કે હજુ કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ ઉપરાંત શિક્ષણમંત્રીને અન્ય એક સવાલ પુછવામાં આવ્યો હતો કે, જે રીતે સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઈન કલાસ ચલાવવામાં આવ્યા છે ત્યારે પુરતો સીલેબસ વિદ્યાર્થીએ ભણ્યો નથી ત્યારે આ સ્થિતિમાં વિદ્યાર્થીઓના સિલેબસમાં ફેરફાર થશે કે કેમ ? આ પ્રશ્ર્નના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના સિલેબસમાં ફેરફાર નહીં પરંતુ ઘટાડા વિશે આગામી બે અઠવાડિયામાં વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
કોરોનાની મહામારીને લઈને દેશના 2 થી 3 રાજ્યોમાં ધો.1 થી 8માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા દોઢ અઠવાડિયાથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. આગામી 10મી એપ્રીલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે. જો કે જે રીતે કેસો વધે છે તેને જોતા તેવું સ્પષ્ટ જણાય રહ્યું છે કે, 10મી એપ્રીલ બાદ પણ ઓફલાઈન કલાસ ચાલુ નહીં થાય ત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે અને સિલેબસમાં પણ ઘટાડો કરવો જરૂરી બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આજના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કાઉન્સીલીંગ સેન્ટરમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે અને સિલેબસમાં પણ જો ઘટાડો કરવાનું જણાય તો તે પણ જરૂરથી કરાશે. આજથી વિદ્યાર્થીઓ માટે જે ઉજાસ કાઉન્સીલીંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમાં વિદ્યાર્થીમાં જોવા મળતો માનસીંગ તનાવ, લર્નીંગ લોસ અને નોન રિસ્પોન્સીંવ એપ્રોચ દૂર કરવામાં આવશે. રાજકોટની જુદી જુદી શાળાઓમાં આ અભિયાન શરૂ થશે. જો કે આજથી જ 2 થી 3 શાળામાં આ અભિયાનનો પ્રારંભ થયો છે અને મોટી સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્ર્નો સાથે ઓનલાઈન હાજર રહ્યાં હતા અને શિક્ષણ મંત્રી દ્વારા વિદ્યાર્થીને યોગ્ય જવાબ આપી તેની ગેરસમજ અને અસમંજસ દૂર કરવામાં આવી હતી.