ભાવનગરમાં બનતા ગાંઠિયા ઉપર જ ભાવનગરી શબ્દનો ઉપયોગ થાય તે માટે જી.આઈ.ની માંગ કરતુ સ્વીટ મર્ચન્ટ એસોસિએશન
ભાવનગરી ગાઠિયા રાજયભરમાં પ્રચલિત છે. સ્વાદના શોખીનો માટે ભાવનગરી ગાંઠિયાનો એક અલગ જ સ્વાદ છે. ત્યારે દરેક જગ્યાએ પ્રચલિત બનેલા ભાવનગરી ગાઠિયા એક અલગ જ બ્રાન્ડ બને તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે. ભાવનગરી ગાઠિયાના નામે હવે અન્ય શહેરોમાં ઉત્પાદન થતા ગાંઠિયાનું વેચાણ અટકાવવા ભાવનગર સ્વીટ એન્ડ મરચન્ટ એસોસિએશન આગળ આવ્યું છે અને ભાવનગરી ગાંઠિયાને એક બ્રાન્ડ બનાવવા કમર કસી રહ્યું છે. આગામી દિવસોમાં ભાવનગરી ગાંઠિયાને જી.આઈ. આપવા પ્રતિબધ્ધતા વ્યકત કરાઈ છે.
ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ભાવનગરી ગાંઠિયાના વેપાર સાથે અંદાજે 5000 જેટલા લોકો સંકળાયેલા છે. અને પોતાની આજીવીકા રળી રહ્યા છે. ભાવનગરી ગાંઠિયાએ એક આગવી છાપ ઉભી કરી હોવાથી અનેક લોકો આ વ્યવસાયમાંથી રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે પ્રચલિત બનેલા ભાવનગરી ગાંઠિયાને જી.આઈ. મળે તેવી માંગણી સ્વીટ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ બૈઝુભાઈ મહેતાએ સમગ્ર વેપારીઓ વતી કરી છે.
જી.આઈ.મળ્યા બાદ આ પ્રકારનાં ભાવનગર સિવાય અન્ય કોઈપણ જગ્યાએ ગાંઠિયા બને તો ભાવનગરી ગાંઠિયા જેવો શબ્દ વાપરવો પ્રતિબંધિત બને છે. ભાવનગર સિવાય અન્ય કોઈ વેપારીઓ, ધંધાર્થીઓ ભાવનગરી ગાંઠિયા શબ્દ વાપરી શકે નહિ. ત્યારે ભાવનગરી ગાંઠિયાને એક આગવી બ્રાન્ડ બનાવવા સ્વીટ મર્ચન્ટ એસોસિએશન જી.આઈ.ની માંગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે હાલ બિકાનેર ભુજીયા, રતલામી સેવને જીઆઈ મળેલ છે.