હોસ્પિટલમાંથી ભાગવાના ષડયંત્રમાં બે પીએસઆઇ, એએસઆઇ અને કોન્સ્ટેબલની સંડોવણી ખુલતા ધરપકડ
અમદાવાદ એટીએસ, રાજકોટ એલસીબી અને ભૂજ એલસીબીની ટીમે મોબાઇલ કોલ ડીટેઇલના આધારે નૈનીતાલનું લોકેશન મેળવ્યું
ગોંડલ પંથકમાં અનેક ગુનામાં સંડોવાયેલા અને ગોંડલ જેલમાં રહી ગુના આચરતા નિખિલ દોંગા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ભૂજ જેલ હવાલે કરાયા બાદ ગત તા.29મી માર્ચે ભૂજ હોસ્પિટલમાંથી ભાગી જતા અમદાવાદ એટીએસ, રાજકોટ એલસીબી અને ભૂજ એલસીબી સ્ટાફે નિખીલ દોંગા અને તેના ત્રણ સાગરીતોને નૈનીતાલથી ઝડપી લીધો છે. ભૂજ જેલમાંથી બહાર નીકળવા ભાગી જવાનો પ્લાન બનાવી રૂા.10 લાખ એકઠાં કરી ભૂજ જેલ, પોલીસ અને હોસ્પિટલના તબીબ સાથે મળી ષડયંત્ર રચ્યુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા કચ્છના બે પીએસઆઇ, એએસઆઇ અને કોન્સ્ટેબલની નિખીલ દોંગાને મદદગારી કર્યાનું ખુલતા ચારેયની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે.
ભૂજ જેલમાંથી ભાગી ગયા બાદ નૈનીતાલ પહોચી મોબાઇલમાં સીમ કાર્ડ બદલી નૈનીતાલ હેમખેમ રીતે પહોચી ગયાના સમાચાર આપવા કોલ કરતા નિખીલ દોંગા, નિકુંજ દોંગા, સાગર કિયાડા અને રેનિશ પટેલને પોલીસે ઝડપી ભૂજ લાવી રહ્યા છે.
નિખિલ કેવી રીતે ભાગ્યો, કોણે કરી મદદ ગોંડલના ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને ભુજની પાલારા જેલમાં ધકેલી દેવાયા બાદ તે બહાર નીકળવા બેબાકળો થયો હતો. આથી રાજકોટ, શાપર અને ગોંડલમાં રહેતા તેમના સાગરીતોનો યેનકેન પ્રકારે સંપર્ક કરીને બહાર નીકળવાનું ષડ્યુંત્ર રચ્યું હતું ત્યારબાદ પાંચ દિવસ પહેલા આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો. છ શખ્ય બે કારમાં ભુજ જવા માટે નીકળ્યા તેમાં ભાવિક ઉર્ફે બલી ચંદુભાઈ ખુંટ, ભરત રામાણી(શાપર), પાર્થ ધાનાણી(રાજકોટ), સાગર ક્યાડા(ગોંડલ), નિકુંજ દોંગા(ગોંડલ) અને શ્યામલ દોંગા(દેરડી કું)નો સમાવેશ થાય છે. એક કારને સામખિયાળી પાસે અકસ્માત નડતા બીજી કારમાં 3 શબ્સ ભુજ ગયા હતા અને નિખિલને ભગાડી જવાયો હતો
આ પહેલા ભુજ જેલના ટોચના અધિકારીને લાલચ આપીને પોતાની તરફેણમાં કરી લેવાયા હતા. ત્યારબાદ કેદી પાર્ટીમાં કોણ જશે તે પણ નક્કી કરાયું હતું આ માટે 40થી 80 હજાર રૂપિયાની લેવડ દેવડ પણ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તેમજ સરકારી હોસ્પિટલના એક તબીબે પણ નિખિલની માંદગીના બોગસ કાગળો તૈયાર કર્યા હતા અને આ કારણોસર જ નિખિલને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હોવા છતાં ત્રણ દિવસ રાખવામાં આવ્યો હતો. રૂપિયાના જોરે તમામ સેટિંગ પાર પડ્યા હતા અને 29 માર્ચે નિખિલ ભાગી ગયો. આ અગાઉ ચોક્કસ લોકોએ 10 લાખ સુધીના નાણાં પણ એકત્રિત કર્યા હતા.
નિખિલ ભાગી ગયાની જાણ થતા ગોંડલ ડિવિઝનના અધિકારીઓ, ભુજ એલસીબી અને રાજકોટ એલસીબીએ નિખિલ અગાઉ જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. તેની ચકાસણી શરૂ કરી તેમાંથી કેટલીક મહત્ત્વની વિગતો પોલીસને મળી. નિખિલ ક્યા શહેરના ક્યા લોકો સાથે સૌથી વધુ સંપર્કમાં હતો તેનું અલગથી લિસ્ટ બનાવવામાં આવ્યું તેમાં સુરત, રાજકોટ આસપાસના 5 વિસ્તાર, દિલ્હી અને ઉત્તરાખંડના નૈનીતાલમાં નિખિલ છુપાયો હોય તેવી વિગતો જૂના કોલ ડિટેઈલના આધારે મળી ત્યારબાદ ટેક્નિકલ બાબતોમાં તકલીફ ન પડે તે માટે એટીએસને પણ સાથે રાખવામાં આવી.
તેમજ એક ફોન નંબર પોલીસને મળ્યો કે જે નિખિલ સુધી દોરી જાય તેવી સંભાવના હતી આથી આ ફોન ક્યા ક્યા થાય છે તે અંગે જાણકારી મેળવવાનું શરૂ કરાતા નિખિલ ભુજથી દિલ્હી થઈને નૈનીતાલ પહોંચ્યો રાજકોટ, ભુજ અને એટીએસની ટીમ નિખિલનો પીછો કરી રહી હતી. નિખિલે એક ફોન કર્યો એટલે તેનું લોકેશન નૈનીતાલની ચોક્કસ જગ્યાનું મળ્યું. આ સમયે રાજકોટ, ભુજની પોલીસ ત્યાં આસપાસમાં જ હતી તેને લોકેશન આપીને આદેશ કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસે પોતાનું કામ આસાનીથી પાર પાડ્યું.
ભુજની હોસ્પિટલમાંથી ભાગેલો નિખિલ કેવી રીતે પકડાયો
10 લાખ રૂપિયા સુધીનું ફંડ ભેગું કરી ભુજની સરકારી હોસ્પિટલમાંથી ભાગી છૂટેલા નિખિલ દોંગાને એવી ખાતરી હતી કે, તે કદાચ નહિ પકડાય. કારણ કે, અગાઉ તે જે સીમ કાર્ડનો ઉપયોગ કરતો હતો તે તમામ બંધ કરી દીધા હતા. પરંતુ એક ભૂલ ખૂંખાર આરોપીને પણ આસાની પકડાવી દેવામાં મદદ કરતી હતી
તેવી રીતે નિખિલે પણ એક ભૂલ કરી. રેગ્યુલર કોલના બદલે કોઇને વોટ્સએપ કોલ કર્યો અને પોલીસ પાસે જે મોબાઈલ નંબર હતા સંભવત: તેમાંથી જ ફોન કર્યો અને આ એક ભૂલ નિખિલને ભારે પડી હતી. નૈનીતાલ પહોંચી ગયાના સારા સમાચાર આપવા માટે જ આ કોલ નિખિલે કર્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ કોલના આધારે નિખિલ અને તેના સાગરીતોનું પરફેક્ટ લોકેશન મળ્યું અને તે આબાદ પોલીસના હાથમાં આવી ગયો હતો.
એક રાજકીય અગ્રણીના જમણા હાથ સમા શખ્સ આખો પ્લાન ઘડ્યો અને રકમ પણ એકઠી કરી નિખિલ દોંગાને સંભવત: આજે ભુજ લવાશે ત્યારબાદ તેની પૂછપરછ શરૂ કરાશે ત્યારે સૂત્રો એમ પણ જણાવી રહ્યા છે કે રાજકોટ જિલ્લાના એક રાજકીય અગ્રણીના જમણા હાથ ગણાતા શખ્સ નિખિલને ભગાડવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે પ્રાથમિક તબક્કે 10 લાખ રૂપિયાનું ફંડ પણ એકત્રિત કર્યું હતું. ભુજ જેલના ટોચના અધિકારી અને તબીબને લલચાવીને પ્લાનમાં સામેલ કરવાનો તખ્તો પણ આ શસ્તે જ તૈયાર કર્યો હોવાની શંકા છે અને આગામી એકાદ બે દિવસમાં તમામ બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
ભુજથી ભાગેલો ગોંડલનો ગેગસ્ટર નિખિલ દોંગા ઉત્તરાખંડના નૈનીતાલમાં છુપાયો હોવાની બાતમીના પગલે પશ્ચિમ કચ્છ અને રાજકોટ ગ્રામ્ય વિભાગની પોલીસ ટીમ નૈનીતાલ પહોંચી હતી. અને નિખીલ દોંગા અને તેની સાથે રમીશ, સાગર અને શ્યામ નામના અન્ય ત્રણ સાગરીતો સહિત ચાર ને દબોચી લીધા હતા.
ચારેય આરોપીઓને પોલીસની ટીમ દ્વારા કચ્છ લાવવામાં આવી રહ્યા છે. જી.કે જનરલ હોસ્પિટલમાંથી નિખીલ દોંગા ભાગી જવાના પ્રકરણમાં આરોપીના જાપ્તામાં રહેલા અને આરોપીને ભાગવામાં જેઓની બેદરકારી સામે આવી છે. તેવા પીએસઆઇ આર.બી.ગાગલ અને કોસ્ટેબલ રાજેશ રૂપજી રાઠોડની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા. આરોપી પોલીસ કર્મીઓની પુછતાછમાં અન્ય એક પીએસઆઇ એન.કે.ભરવાડ અને એએસઆઇ અલીમામદ ઓસમાણ લંઘાની સંડવણી સામે આવતાં પોલીસે તેમની પણ ધરપકડ કરીને સોમવાર સુધી રિમાન્ડ પર લીધા છે. જાપ્તામાં રહેલા આરોપીના મિત્રોને મળવા માટે છુટછાટ આપી ફરજમાં બેદરકારી કરી હોવાનું સામે આવ્યું હતું.
આરોપી નંબર વિનાની કારમાં રાજસ્થાન દિલ્હી થઇને નૈનિતાલ પહોંચ્યો
ભુજથી નંબર વગરની કારમાં સાગરીતો સાથે આરોપી નિખિલ દોંગા ભાગીને રાજસ્થાન દિલ્હી થઇને રાજસ્થાન પહોંચ્યો હોવાના ઇનપુટ મળતાં પશ્ચિમ
કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ પોલીસે આરોપીને ટ્રેસ કરી લઇને નૈનિતાલ પહોંચી આરોપીને સાગરીતો સાથે ઝડપી પાડી કચ્છ લઇ આવવા રવાના થયા છે.