મોરબી જિલ્લામાં દિવસે દિવસે કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાના હોમટાઉન હળવદમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને રેપીડ ટેસ્ટ કીટ ખૂટી પડી હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ હળવદના જાણીતા તબીબ કે.એમ.રાણાએ 90 ટકા લોકો વાયરલ બીમારીનો શિકાર બન્યા હોવાથી લોકોને જાગૃતતા રાખવા જણાવ્યું છે.
છેલ્લા દસથી બાર દિવસથી મોરબી જિલ્લામાં કોરોના બેકાબુ બની હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાના હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજના 50 જેટલા પોઝિટિવ કેસ નીકળી રહ્યા હોય લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.જો કે બીજી તરફ જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ આ ગંભીર બાબતને હળવાશ પૂર્વક લઈ રહી હોય હાલમાં હળવદમાં કોરોના રેપીડ ટેસ્ટ કિટનો જથ્થો પણ ખૂટી પડ્યો હોવાનું અને સરકારી ઉપરાંત ખાનગી દવાખાનાઓમાં કીડીયારું ઉભરાતું હોય તેવા બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
હળવદની કોરોનાની સ્થિતિ અંગે જાણીતા તબીબ ડો.કે.એમ.રાણાએ જણાવ્યું હતું કે હળવદની સ્થિતી ખૂબ ક ચિંતાજનક કહી શકાય તેવી છે, 90 ટકા લોકોમાં વાયરલ બિમારી જોવા મળી રહી છે અને તેમની હોસ્પિટલમાં જ દરરોજ 10થી 12 શંકાસ્પદ કેસ આવી રહ્યા છે.