ટુંક સમયમાં લોકાર્પણ કરાશે: અદ્યતન સુવિધા સાથેના 30 રૂમમાં 60 વિદ્યાર્થિનીઓ રહી શકશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુવિધા વધારવા માટે જુદી-જુદી હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ચાર ગર્લ્સ હોસ્ટેલ છે જેમાં બહારગામથી આવતી અનેક વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં જ રહી અભ્યાસ અર્થે જાય છે ત્યારે યુનિવર્સિટીએ વિદ્યાર્થીનીઓની સુવિધામાં વધુ એક કલગી ઉમેરી છે અને 1.40 કરોડના ખર્ચે યુનિવર્સિટીએ પાંચમી ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કર્યું છે.
મળતી માહિતી મુજબ રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ હોસ્ટેલ બનાવવા માટે 1.65 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જોકે આ હોસ્ટેલ નિર્માણ માટે માત્ર 1.40 કરોડનો ખર્ચ જ થયો છે જેમાં 24 લાખ રૂપિયાની બચત થઈ છે. આ બચતમાંથી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીનીઓને અન્ય સુવિધા પણ આપવામાં આવશે. હોસ્ટેલની વાત કરીએ તો હોસ્ટેલમાં ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોર જેમાં કુલ 30 રૂમ ફર્નિચર સાથે બનાવવામાં આવ્યા છે અને આ 30 રૂમમાં 60 વિદ્યાર્થીનીઓ રહી શકશે. બંને ફલોર પર ટોયલેટ બ્લોકની પણ ખાસ વ્યવસ્થા આ ઉપરાંત બંને ફલોર પર આર.ઓ. પ્લાન્ટની પણ સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત રેકટર માટેનો પણ રૂમ ફાળવવામાં આવ્યો છે. પાંચમી ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ થયું છે ત્યારે ચાલુ માસમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવશે અને લોકાર્પણ બાદ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં અદ્યતન સુવિધા સાથે રહી શકે તે માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોયઝ અને ગર્લ્સ સહિત કુલ આઠ હોસ્ટેલ આવેલી છે જેમાં 800થી વધુ વિદ્યાર્થીઓ રહે છે અને યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરે છે. ત્યારે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને વધુ સગવડ મળી રહે તે માટે યુનિવર્સિટી દ્વારા હજુ પણ વધુ હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવશે અને આ તમામ હોસ્ટેલમાં દીકરા-દીકરીઓને પુરતી સુવિધા મળી રહે અને કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હોસ્ટેલ દીઠ એક રેક્ટરનો પણ રૂમ ફાળવવામાં આવેલ છે.