ગુજરાતમાં દારૂબંધી છતાં બૂટલેગરો પોલીસને જાણે લલકારી રહ્યા હોય તેવી સ્થિતિ
ઉના તાલુકા ઉના શહેર થી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખુબ નજીક છે. તે ખાસ કરીને ટુરિસ્ટો માટેનું હબ ગણવામાં આવે છે. અહીં દારૂની છૂટી હોવાના કારણે પણ કેટલાય ટુરિસ્ટો હરવા ફરવા મોજ-મસ્તી કરવા દીવ તરફ આવતા હોય છે. સાંજ પડે ને દીવમાં ઉના અને એની આસપાસના કેટલાય રોજીંદી ટેવ વાળા પણ દારૂ પીવા દિવ જતા હોય છે. ગુજરાતમાં દારૂ પ્રતિબંધ હોવાને કારણે દીવ તરફથી બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા કેટલાય કિમીયા કરતા હોય છે કે અવનવી ટ્રિક અપનાવતા હોય છે. આવા અસામાજીક તત્વો ગુજરાતમાં આ દારૂ ઘુસાડી તેના ભાવ ડબલ થી પણ વધુ લેતા જોવા મળે છે. સમાજવ્યવસ્થા ને અને કુટુંબ વ્યવસ્થા ને બરબાદ કરતો દારૂ નો આ કારોબાર બુટલેગરો માટે મોટો નફો કરી આપે એવો વેપાર બની ગયો છે ઉનામાં સવારનાં પહોરમાં દુધની થેલી ન મળે પણ દારૂની બોટલ મળે.
બુટલેગરો દીવ માંથી દારૂ કાઢવાનો સતત પ્રયત્ન કરતા જોવા મળે છે. આવા દારૂના ધંધાર્થીઓ મોટરસાયકલ તેમજ કાર વડે કે અન્ય વાહનો દ્વારા ઉના તાલુકા તેમજ શહેરમાં દારૂ લઈને આવતા હોય છે. અને તેને બમણા ભાવ લઈને વેચી મારતા હોય છે. પોલીસ પણ અમુક નાના માછલીઓ ને પકડી સંતોષ માની લેતી હોય છે અને મોટા મગર મરછોને છોડી મુકતી હોય છે પણ હકીકતે તાલુકા ના ગામડા અને શહેર માં કેટલીક જગ્યાએ ખાનગીમાં દેશી અને વિદેશી દારૂના હાટડા ધમધમતા જોવા મળે છે. ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રતિબંધ હોવા છતાં દારૂના અડ્ડાઓ બેફામ ચાલી રહ્યા હોય એવી ઘટનાઓ વારે વારે નજરે પડી રહી છે. સ્થાનિક પોલીસને માટે પણ આ સમસ્યા પડકારરૂપ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
જ્યારે ગુજરાત સરકાર દારૂ બંધી પ્રત્યે કટિબંધ છે અને કાયદાઓ કડક બનાવવામાં આવ્યા છે. ત્યારે બુટલેગરો કાયદાથી વિપરીત પ્રવૃત્તિ કરતાં જોવા મળે છે. આવા આવારા તત્વો સામે અને બૂટલેગરો સામે કડક રીતે કાયદાકીય પગલાં નહીં લેવામાં આવે તો આજની યુવા પેઢી દારૂના વ્યસનમાં સતત બરબાદ થતી રહેશે . તેથી આવા અસામાજિક તત્વો અને બુટલેગરો સામે પોલીસ લાલ આંખ કરે એ જરૂરી બની ગયું છે, બાકી દારૂનું દુષણ ઉના શહેર તેમજ તાલુકામાં ઠેર ઠેર ફેલાતા વાર નહિ લાગે અને કૌટુંબિક વ્યવસ્થાઓ ને છિન્ન ભિન્ન કરી નાખશે. ઉના અને એની આસપાસ લોકોમાં દારૂ નું દુષણ ચર્ચાનો વિષય બન્યો છે.
સામાજિક અને રાજકીય નેતાઓ દ્વારા પણ આ અંગે લોકજાગૃતિ થાય અને પોલીસ ને સાથે રાખી જનતા રેડ કરવામાં આવે એ જરૂરી બની ગયું છે.