જીતુભાઇ લાલ, મુળુભાઇ બેરા, રાઘવજી પટેલ ચૂંટાયા
કૃષિ મંત્રી ફળદુના ભાણેજ કાંતિભાઇ ગઢીયાનો પરાજય
જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકની નવ બેંકોની મતગણતરી થતા ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના મુળુભાઇ બેરા, ધારાસભ્ય રાઘવજી પટેલનો વિજય થયો હતો. બેંકની ચુંટણીમાં ચૂંટાયેલા નવા ચહેરા કઇ તરફ મુકે છે એ જૂથ સતા મેળવશે. જામનગરની ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકની 9 બેઠકો માટેની મતગણતરી બુધવારે હાથ ધરાઇ હતી જેમાં તમામ પરિણામો જાહેર થયા હતા. આશ્ચર્યજનક રીતે પ્રથમ વખત ચૂંટણી લડતા હોય તેવા નવા ચહેરાઓ ચૂંટાઈને આવ્યા છે. બે જૂથ વચ્ચે લડાતી આ ચૂંટણી પક્ષીય ધોરણે લડવામાં આવતી નથી એટલે આગામી 1-2 દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી માટે લાંબો સમય કાનૂની વિવાદ ચાલ્યો હતો. હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટ સુધી સામ-સામા દાવા થયા હતા. જામનગર જિલ્લા સહકારી બેંકની 9 બેઠકની મતગણતરી ડી.કે.વી. કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી.
સૌથી પહેલુ પરિણામ જામનગર ગ્રામ્ય બેઠકનું આવ્યું હતું. આ બેઠક ઉપરથી પૂર્વ વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલાને 23 મત મળ્યા હતા. રાજયના કૃષિમંત્રી અને જામનગરના ધારાસભ્ય આર.સી. ફળદુના નજીકના ગણાતા અને જામનગર શહેર ભાજપના મહામંત્રી તથા સ્ટેન્ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન મેરામણભાઇ ભાટુને 20 મત મળતા તેમનો 3 મતે પરાજય થયો હતો.ભાણવડ વિસ્તારની બેઠક ઉપરથી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા ફરી જિલ્લા સહકારી બેંકના ડાયરેકટર બન્યા છે. તેઓને 12 મત મળ્યા હતા. તેમના હરીફ વશરામભાઇ સોલંકીને માત્ર 1 મત મળતા મુળુભાઇ બેરાનો 11 મતે વિજય થયો હતો. કાલાવડ બેઠક ઉપરથી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજયના કૃષિમંત્રી, જામનગરના ધારાસભ્ય આર.સી.ફળદુના ભાણેજ કાન્તીભાઇ ગઢીયા 24 મત મેળવી તેમજ 26 મત રાજેશભાઇ વાદીને મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા.
જામજોધપુર બેઠક ઉપરથી બેંકના બે દાયકા જૂના ડાયરેકટર રહેલા પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના અગ્રણી બ્રિજરાજસિંહ જાડેજા તથા તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર અને બસપામાં જોડાયેલ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હેમતભાઇ ખવાને 11-11 મત મળતા ટાઇ થઇ હતી. આથી ચિઠ્ઠી ફેંકીને પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. ચિઠ્ઠીમાં નસીબના જોરે હેમત ખવા વિજેતા થયા હતા. ધ્રોલની બેઠક ઉપરથી જામનગર યાર્ડના ચેરમેન અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ મુંગરાને 13 મત મળ્યા હતા તેમના પ્રતિસ્પર્ધી રઘુભાઇ મુંગરાને 7 મત મળ્યા હતા. આથી રાઘવજીભાઇ 6 મતે વિજેતા થયા હતા. જોડિયાની બેઠક ઉપરથી જામનગર જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાને 14 મત મળ્યા હતા. જયારે વર્ષોથી બેંકના ડાયરેકટર રહેલા અને પૂર્વ એમ.ડી.જીવણભાઇ કુંભારવડીયાને 11 મત મળ્યા હતા.
બિન ખેતી વિષયક શરાફી અને ઔદ્યોગીક મંડળી વિભાગની બેઠક ઉપરથી જીતુભાઇ લાલને 74 મત મળ્યા હતા. જયારે તેમના હરિફ ઉમેદવાર વિલસન નથવાણીને માત્ર 10 મત મળતા જીતુભાઇનો 64 મતે ભવ્ય વિજય થયો હતો. 30 આઇ.સી. વેચાણ અને ઉત્પાદન કરતી સહકારી મંડળીની બેઠક ઉપરથી પણ ચૂંટણી લડનાર બેંકના પૂર્વ એમ.ડી.જીવણભાઇ કુંભારવડીયાનો 3 મતે વિજય થયો હતો. તેમના હરિફ ઉમેદવાર ઋુષી અરવિંદભાઇને 17 મત મળ્યા હતા. સભ્ય મંડળીઓ સિવાયની બેઠક ઉપરથી બળદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાને 45 મત મળ્યા હતા. જયારે તેમના હરિફ ઉમેદવાર દ્વારકાદાસ વ્રજલાલ અનડકટને 36 મત મળ્યા હતા.
પાંચ બેઠકો બિનહરીફ
જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા ચાર બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. લાલપુરની બેઠક ઉપરથી પૂર્વ ચેરમેન અશોકભાઇ લાલ, દ્વારકાની બેઠક ઉપરથી લુણાભા સુભણીયા, કલ્યાણપુર બેઠક ઉપરથી મેરગભાઇ ચાવડા અને ખંભાળિયાની બેઠક ઉપરથી પી.એસ. જાડેજા ઉપરાંત પૂર્વ ડાયરેકટર ઇલેશભાઇ પટેલ વ્યકિતગત બેઠક ઉપરથી અગાઉ બિનહરીફ જાહેર થઇ ચુકયા છે.
સત્તા મેળવવા હવે કાવા દાવા થશે
જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકમાં કુલ 14 ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. જ્યારે બેની નિમણૂંક સરકાર તરફથી કરવામાં આવે છે. આમ, કુલ 16ની સંખ્યા હોય છે. સત્તા માટે 9 સભ્યો જરૂરી હોય છે. હવે આ વખતેની ચૂંટણીમાં નવા ચહેરાઓ ચૂંટાઈને આવ્યા છે તેઓ કઈ બાજુ નમે તે હજુ નક્કી નથી, પરંતુ બે દિવસમાં ડિસ્ટ્રીક્ટ બેંકનું સુકાન કોણ સંભાળશે તે કદાચિત ચિત્ર સ્પષ્ટ થઈ જશે.