પત્રકારો-મીડિયાનાં કર્મચારીઓને પણ સમાજનાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ગણીને તેમને ઉંમરબાધ વિના કોરોના વિરૂદ્ધની વેક્સિન આપવી જોઈએ એવી રજૂઆત સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ કરી હતી. રાજુભાઈ ધ્રુવની રજૂઆતને ઘ્યાનમાં લઈ તુરંત જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ મ્યુનિસીપલ કમિશનરને પત્રકારો-મીડિયાકર્મીઓ માટે કોરોના વિરૂદ્ધની રસીકરણ માટેના કેમ્પનું આયોજન કરવાની સૂચના આપી હતી. જે અનુસંધાને આગામી તા. ૩૦ માર્ચ, મંગળવારનાં રોજ વેસ્ટઝોન ઓફિસ ખાતે પત્રકારોને કોરોનાથી રક્ષણ આપતી વેક્સિન આપવામાં આવશે. આ સાથે જ ડાયાબિટીસ-બીપી ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના કાળમાં પત્રકારો-મીડિયા કર્મચારીઓએ વહિવટી તંત્ર સાથે ખભેખભો મિલાવીને કામ કર્યુ હતું અને સરકાર અને સમાજ વચ્ચેનો સેતું બન્યા હતાં. ત્યારે ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્રકારો-મીડિયા કર્મચારીઓને કોરોનો વોરિયર્સ ગણીને વેક્સિન આપવા રજૂઆત કરી હતી. જેને સીએમ રૂપાણીએ સહર્ષ આવકારીને પત્રકારો માટે વેક્સિન કેમ્પનું આયોજન કરવા તંત્રને સૂચના આપી હતી.
આ અંગે મ્યુનિસીપલ કમિશનર ઉદિત અગ્રવાલે મંગળવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધી વેસ્ટ ઝોન ઓફિસ ૧૫૦ રિંગ રોડ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પના આયોજન માટે રાજકોટ મહાનગરપાલિકાનો પણ આભાર માનીને તમામ પત્રકારો-મીડિયા મિત્રોને કોરોના વિરૂદ્ધની વેક્સિન લેવાની અપીલ કરી હતી. તેમજ ડાયાબિટીસ-બીપી ચેકઅપ કેમ્પનો પણ લાભ લેવા અપીલ કરી છે.