એકસપ્રેસ, નેશનલ, સ્ટેટ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિ કલાકની ગતિ મર્યાદા
ગાંધીનગર, ગુજરાતમાં જે લોકો જાહેર માર્ગો ઉપર નિયત કરતા વધુ ગતિથી વાહન ચલાવે છે તેમણે ચેતી જવાની જરૂરિયાત છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના નવા આદેશ મુજબ રાજ્યમાં ફોર વ્હિલ વાહનોને વધુમાં વધુ 120 કિમી પ્રતિ કલાકની ગતિ કરતા વધુ ગતિએ ચલાવી શકાશે નહીં. જયારે ટુ – વ્હિલર વાહનો માટે પણ ગતિ મર્યાદા નક્કી કરાઈ છે. એક નવો આદેશ બહાર પાડીને શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તથા જાહેર માર્ગો પર વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદાને નક્કી કરવામાં આવી છે. જેમાં દરેક પ્રકારના વાહનો માટે અલગ-અલગ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો કે, કોઈપણ વાહન વધુમાં વધુ 120 કિમી પ્રતિ કલાકથી વધારેની ગતિએ ચલાવી શકાશે નહીં. વાહન વ્યવહાર વિભાગ આજે નવો આદેશ બહાર પડાયો છે, તે મુજબ રાજ્યમાં એક્સપ્રેસ હાઈવે પર ગાડીની ગતિ મર્યાદા 120 કિમી પ્રતિ કલાકની નક્કી કરવામાં આવી છે. જયારે રાજ્યના નેશનલ હાઈવે ઉપર 100 કિમી પ્રતિ કલાક અને સ્ટેટ હાઈવે ઉપર 80 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
વાહનોની ગતિ મર્યાદા
એક્સપ્રેસ હાઈવે ઉપર 120 કિમી, નેશનલ હાઈવે ઉપર 100 કિમી, સ્ટેટ હાઈવે 80 કિમી, મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી વિસ્તારના માર્ગો ઉપર 65 કિમી, રાજ્યના ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર 50 કિમી.
માલસામાન લઈજતા વાહનોની ગતિ મર્યાદા
એક્સપ્રેસ હાઈવે ઉપર 80 કિમી, નેશનલ હાઈવે 80 કિમી, સ્ટેટ હાઈવે 70 કિમી, મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી વિસ્તારના માર્ગો ઉપર 60 કિમી, ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર 40 કિમી.