67મા રાષ્ટ્રીય એવોર્ડની જાહેરાત પછી ગુજરાત લાલઘુમ
જયુરીમાં ગુજરાતનું પ્રતિનિધિતત્વ નબળું પડયું કે કોઇ રાજકારણ રમાયું?
ગુંચવણમાં ગુજરાત… જેની ફિલ્મ એવોર્ડ માટે મોકલવામાં આવેલી હોય તે જ વ્યકિત જયુરીમાં કેવી રીતે હોઈ શકે?
તાજેતરમાં ‘67 માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2019’ ની જાહેરાત થઇ. જેમાં ફિલ્મ ડિવિઝન નિર્મિત અને એક જમાનાના અમદાવાદ ના ઈસરો (ડેકુ) ના પીજ ટેલિવિઝન ના નિર્માત્રી એવા દિનાઝ કલવચવાલા દિગ્દર્શીત દસ્તાવેજી Charan – Atva The Essence Of Being A Nomed ( Gujarati )’ “¡ Non Feature Film ની કેટેગરીમાં Best Ethnographic Film તરીકે જાહેર કરવામાં આવી જેનું ચિત્રાંકન ગુજરાત ના સીનીયર કેમેરા મેન રાવજી સોદરવા એ કરેલું જ્યારે પાશ્ર્વ સંગીત દિનાઝ કલવચવાલા ના પતિ તથા જાણીતા સંગીતકાર અમીત ભાવસારે તથા દિકરા સિધ્ધાર્થ ભાવસારે કરેલું જે એક માત્ર આનંદના સમાચાર છે..
પરંતુ ફિચર ફિલ્મની કેટેગરી માં આ વર્ષે ગુજરાત નું નામો નીશાન મીટાવી દેવામાં આવ્યું છે.
છેલ્લા બે વખતથી રોંગ સાઈડ રાજુ, ઢ, રેવા અને હેલ્લારો જેવી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મો આપનાર આ જ ગુજરાત આ વખતે સાવ બાકાત ?
શું ગુજરાત માં સારી ફિલ્મો બનવાની બંધ થઇ છે ? કે જ્યુરીમા ગુજરાતનું નબળું પ્રતિનિધિત્વ આ માટે જવાબદાર છે ? આ સવાલો અત્યારે ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટી ને મુંઝવી રહ્યા છે.
2019 માં જેમણે રાષ્ટ્રીય એવોર્ડ માં પોતાની ફિલ્મ ની એન્ટ્રી મોકલેલ તેવી ગુજરાતી ફિલ્મો ની જો વાત કરીએ તો જાણીતા દિગ્દર્શક વિપુલ મહેતા ની સફળતા પુર્વક ચાલેલી તથા રાજ્ય સરકાર ના પણ અનેક એવોર્ડ મેળવી ચુકેલી ફિલ્મ “ચાલ જીવી લઇએ”, જાણીતા દિગ્દર્શક વિજયગીરી બાવા ની અને અનેક એવોર્ડ મેળવી ચુકેલી ફિલ્મ “મોન્ટુ ની બીટ્ટુ”, ચોક ક્ષ ડસ્ટર જેવી ફિલ્મ ના દિગ્દર્શક જયંત ગીલાતરની ખુબ મહેનત સાથે બનાવાયેલી સ્પોર્ટ્સ ફિલ્મ “ગુજરાત 11”, યુવા દિગ્દર્શક ડો. દર્શન ત્રીવેદી ની ખુબ સારી માવજત સાથે તૈયાર થયેલી ફિલ્મ “મૃગતૃષ્ણા”, મંથન પુરોહિત દિગ્દર્શીત અને મનોજ જોષી અભિનીત ફિલ્મ “ચાસણી”, દિગ્દર્શીકા સુચિતા ભાટીયા ની ફિલ્મ “ખપે”, અરે ! જ્યારે “આઝાદી કા અમૃત પર્વ” ની ઉજવણી થઇ રહી છે ત્યારે ઉત્પલ મોદીની ” ગાંધી ની બકરી” સહિત લગભગ 16 જેટલી ગુજરાતી ફિલ્મો આ સ્પર્ધામાં સામેલ હતી. શું એકપણ ફિલ્મ પ્રાદેશિક એવોર્ડ ને પણ લાયક નહીં ? અહીં સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે રાષ્ટ્રીય એવોર્ડ ના બંધારણ પ્રમાણે જે કોઇ વ્યક્તિ ફિલ્મ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હોય તેને જ્યુરી માં સ્થાન ન મળી શકે… તો ગુજરાતી ફિલ્મ “ચાસણી” આ સ્પર્ધામાં હતી અને તેના જ મુખ્ય અભિનેતા મનોજ જોષી જ્યુરી માં હતા! આવું કેમ ?
ખુબ ઓછા સમયમાં ગુજરાતી ફિલ્મોએ ખુબ જ મોટી હરણફાળ ભરી છે ત્યારે રાષ્ટ્રીય એવોર્ડ માં ગુજરાતી ફિલ્મોને થયેલો આટલો મોટો અન્યાય ખુબ જ અસહ્ય છે તેવું લગભગ ગુજરાતી ફિલ્મો ના નિર્માતાઓ, દિગ્દર્શકો નું દ્રઢપણે માનવું છે.
રાષ્ટ્રીય એવોર્ડની પશ્ર્ચિમ ઝોનની પેનલના અધ્યક્ષ સી. ઉમા મહેશ્ર્વર રાવને કદાચ ભાષા નહીં સમજાઇ હોય માની લઇએ. પરંતુ સેન્ટ્રલ પેનલમાં તો આપણા મનોજ જોષી સાહેબ હતા.. શું તેમણે ધ્યાન ન આપ્યું ? કે પછી તેમનું કશું ઉપજ્યું નહીં? તેવા પણ સવાલો ગુજરાતી ચલચિત્ર જગતના લોકોમાં ચર્ચાઇ રહ્યા છે..
છેલ્લા કેટલાક સમયથી માત્ર રાષ્ટ્રીય એવોર્ડને કારણે જ ગુજરાતી ફિલ્મો ના મેકર્સ નો જુસ્સો ટકી રહેલો છે. હવે જો રાષ્ટ્રીય એવોર્ડ માં પણ ગુજરાતી ફિલ્મો માટે ઓરમાયું વર્તન રખાય તો ગુજરાતી ફિલ્મો ના મેકર્સ હતાશ થશે જેમાં શંકાને કોઈ સ્થાન નથી.
આ અંગે માઇકા જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ફેકલ્ટી રહી ચુકેલા અને ખુબ વિશ્ર્વાસ સાથે બનાવેલી ફિલ્મ “મૃગતૃષ્ણા” ના દિગ્દર્શક ડો. દર્શન ત્રીવેદી સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે…એક સમય હતો જયારે ગુજરાતી ફિલ્મોની ગુણવત્તાના ધોરણે નેશનલ એવોર્ડમાંથી સંપૂર્ણ બાદબાકી થતી. આ વર્ષે ગુજરાતે સોળ જેટલી ફિલ્મો નેશનલ એવોર્ડ માટે મોકલાવવામાં આવેલી. હાસ્યાસ્પદ બાબત એ છે કે, તુલુ, ખાસી, પનીયા, મિશિંગ જેવી ભાષા કે જ્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજી બેઠી પણ નથી થઇ એવી ભાષાની ફિલ્મો ને નેશનલ એવોર્ડ મળે છે ! જયારે ગુજરાતી ફિલ્મોની સંપૂર્ણ બાદબાકી ? આશાછે કે જ્યુરીએ સોળે સોળ ગુજરાતી ફિલ્મો જોવાની તસ્દી લીધી હોય. અલગ અલગ બ્લોગ માં જયારે ફાઇનલ રાઉન્ડ માં પહોંચેલ મલયાલમ ફિલ્મો ની ચર્ચાઓ ચાલતી હતી, ત્યારે એ પણ સવાલ ઉઠ્યો કે ગુપ્ત મતદાન ની જેમ યોજાતા આ નેશનલ એવોર્ડ સમારંભ માં ગુજરાતી ભાષાની ફિલ્મો વિષે કઈ રીતે ચુપકીદી ?
ગુજરાતી ભાષામાં જ અતિશય વખણાયેલી ફિલ્મો “પ્રેમજી”, “મહોતુ”, “મોન્ટુ ની બીટ્ટુ” અને ટુંક સમયમાં રીલીઝ થનારી “21 મુ ટીફીન” ના દિગ્દર્શક વિજયગીરી બાવા સાથે પણ અમે વાત કરી તેમના કહેવા મુજબ… ગુજરાતી ફિલ્મો સાથે અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ થઇ છે. નેશનલ એવોર્ડ માં ક્યારેય રેશનલ વર્તન થયું હોય એવું મને યાદ નથી. વર્ષ 2015 માં મેં “પ્રેમજી” નામની મારી ફિલ્મ નેશનલ એવોર્ડમાં મોકલેલી જેના માટે મને એવોર્ડ ની પણ અપેક્ષા હતી જ, કારણ કે તેનો વિષય અને માવજત એ પ્રકારના હતા. પણ એ ફિલ્મ પ્રિવ્યુ પણ નોહતી થઇ એવું એક વ્યક્તિ (જે જ્યુરી માં હતા, જેમના વિષે પાછળથી ખબર પડી) પાસેથી જાણવા મળેલું. તેના પછી સતત 3 વરસ લગભગ ગુજરાતી ફિલ્મ્સ ને સારા એવોર્ડ્સ મળ્યા. અને “હેલ્લારો” અને “રેવા” ને જે રીતે એવોર્ડ મળ્યા તે રીતે આખી ઇન્ડસ્ટ્રી ગર્વ લેતી થઇ હતી. કે હવે આપણી ફિલ્મ્સ જોવાય છે. પણ આ વખતે આખી કેટેગરીને ટાળી દેવામાં આવી ! એ વધારે પડતું છે. જો વાત ગુણવત્તાની જ હોય તો એવા કયા પેરામીટર છે, જે એવું કહે છે કે આ વખતે જે ફિલ્મ્સ ને એવોર્ડ મળ્યા એ લાયક હતી, ને ગુજરાતી ફિલ્મ્સ નબળી હતી? સગવડિયા ધર્મ થી આ વખતે પરિણામો આવ્યા છે..જે નિંદનીય છે..ગુણવત્તા ના ધોરણો હોય, અને સ્પર્ધા તંદુરસ્ત હોય તો જ મજા પડે. કૈક તો યોગ્ય નથી જ આ વખત ના પરિણામો માં. અને ગુજરાતી સિનેમા સાથે યોગ્ય નથી જ થયું. દુ:ખ ની વાત તો એ પણ છે કે ઇન્ડસ્ટ્રી ના મોટાભાગ ના લોકો આંખ આડા કાન કરી રહ્યા છે. જેનો રેલો ક્યારેક બધાના પગ નીચે આવ્યા વગર રહેશે નહિ..આવું મારુ સ્પષ્ટ પણે માનવું છે.
બોલીવુડ ની નોંધનીય ફિલ્મ ચોક એમ ડસ્ટર ના દિગ્દર્શક જયંત ગીલાતરે ગુજરાતી ભાષામાં સ્પોર્ટ્સ જેવા અઘરા વિષય ને લઇને ગુજરાતી ફિલ્મ બનાવી “ગુજરાત 11.. જયંત ગીલાતર સાથે પણ અમે તેમની લાગણી જાણવાનો પ્રયત્ન કર્યો..તેમના કહેવા મુજબ. રોંગ સાઈડ રાજુ, ઢ, રેવા, અને હેલ્લારો જેવી ફિલ્મોને જ્યારે નેશનલ એવોર્ડ મળ્યા, તે જ કારણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રાણવાયુનું સિંચન થયું. અને તે જ કારણે સારી સારી ફિલ્મો બનવાની શરૂઆત થઈ. આ વર્ષે લગભગ દરેક ભાષાની ફિલ્મોને એવોર્ડ મળ્યા, માત્ર ગુજરાતી ફિલ્મોની જ બાદબાકી થઇ ! તેનું ભારોભાર દુ:ખ છે. મારી ફિલ્મ “ગુજરાતી 11” ગુજરાતી પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ હતી, એટલું જ નહીં સાથે-સાથે ક્રિમિનલ ને કેવી રીતે સુધારી શકાય તેવો એક હકારાત્મક મેસેજ પણ આ ફિલ્મમાં હતો. હું માત્ર મારી ફિલ્મની જ વાત નથી કરતો, પરંતુ સ્પર્ધામાં રહેલી તમામ ફિલ્મો ખૂબ જ મજબૂત હતી. છતાં આવું ? આપના માધ્યમથી સમગ્ર સમગ્ર ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટી ને વિનંતી કરું છું. આવો આપણે એક થઈએ, અને સાચું કારણ જાણવાનો પ્રયત્ન કરીએ. અને નક્કી કરીએ કે ઓછામાં ઓછી એક ફિલ્મ તો દર વર્ષે રાષ્ટ્રીય એવોર્ડ આપણી જીતવી જ જોઈએ.
રાષ્ટ્રીય એવોર્ડ માં બનેલી આ દુ:ખદ ઘટના પછી એક વાત નક્કી છે કે જ્યાં સુધી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ના તમામ લોકો એક છત નીચે પોતપોતાના ઇગો છોડીને ભેગા નહીં થાય ત્યાં સુધી આવું ચાલતું જ રહેશે. રાજ્ય સરકાર પણ દર વર્ષે ગુજરાતી ફિલ્મો ના એવોર્ડ જાહેર તો કરે જ છે. પરંતુ કલાકારો-કસબીઓ તે એવોર્ડ યોગ્ય સમારંભ થકી અપાય તેવું પણ ઇચ્છે જ છે. જો ખાનગી એવોર્ડ સમારંભો બોલીવુડ કક્ષાના થઇ રહ્યા હોય તો સરકાર આવું કેમ ન કરી શકે ? આશા છે જે રીતે અગાઉ મોટું આયોજન કરીને રાજ્ય સરકાર ગુજરાતી ફિલ્મો ને એવોર્ડ આપતી હતી તે પ્રણાલી ફરી શરૂ કરે. આવા સમારંભો જ ગુજરાતી ફિલ્મો ના કલાકારો/કસબીઓ નો જુસ્સો ટકાવી રાખવા નિમિત્ત્ બનશે જેમાં બે મત નથી..