નેટફલીકસ, એમેઝોન જેવા ઓટીટી પ્લેટફોર્મ સહિત ડિજિટલ મીડિયા અને સોશ્યલ મીડિયાએ નવા કાયદાનું ફરજીયાત પાલન કરવું પડશે અન્યથા દંડની જોગવાઈ કાયદામંત્રી
આજના 21મી સદીના આધુનિક યુગમાં ડિજિટલ સેવાનો વ્યાપ ખૂબ વધ્યો છે. એમાં પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ નો ઉપયોગ વધતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વ્યાપ પણ દિન પ્રતિદિન વધતી જઇ રહ્યો છે. યુઝર રાતદિવસ સોશિયલ મીડિયા પર રચ્યા પચ્યા રહે છે. એવામાં સોશિયલ મીડિયાના વાયરલ “વાયરસ”ને રોકવા કેન્દ્ર સરકારે તાજેતરમાં નવી રણનીતિ ઘડી કાઢી છે. જે મુજબ નવા નિયમો ઘડવામાં આવ્યા છે. આ મુદ્દે ગઈકાલે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે પ્રકાશિત થતા કોઈપણ ક્ધટેન્ટની જવાબદારી હવે પ્લેટફોર્મ પૂરું પાડનારની બનશે.
ઉલ્લેખનીય છે કે, એવા ઘણાં કિસ્સાઓ અવાર-નવાર સામે આવ્યા છે કે કોઈ ફિલ્મ, વેબ સિરીઝ કે અન્ય કોઈ ક્ધટેન્ટના સ્વરૂપમાં વીડિયો પ્રકાશિત થયા હોય અને તેનો લોકો દ્વારા વિરોધ થયો. જેમ કે, એક ઉદાહરણ લઈને સમજીએ તો તાજેતરમાં તાંડવ વેબ સિરીઝને લઈ દેશભરમાં વિરોધ થયો હતો. આ વેબ સીરીઝથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે તેમ આરોપ હતો અને દેશની શાંતિ ડહોળાઇ હતી. આવું જ ખેડૂત આંદોલનમાં પણ બન્યું હતું. સોશ્યલ મીડિયા મારફત ફેલાતી હિંસા અને ગેરકાયદે પ્રવૃત્તિના જવાબદાર કોણ ?? આવું ફરી ન બને અને સોશિયલ મીડિયાના વાયરલ “વાયરસ”ને રોકી શકાય તે માટે સરકારે નવી ગાઇડલાઇન જારી કરી હતી. અને હવે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ માટેની ગેરકાયદે પ્રવૃત્તિ માટે જે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે એ જ જવાબદાર ગણાશે. વિડિયો ફિલ્મ કે વેબ સિરીઝ સહિતના કોઈપણ શો દેશમાં અશાંતિ ફેલાવે છે તો તેના માટે જવાબદાર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જ રહેશે.
મંત્રી પ્રસાદે જણાવ્યું કે કેન્દ્ર સરકાર નવી ડિજિટલ પ્લેટફોર્મ્સ અને ઓટટી (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ માટે નવા નિયમો લાગુ કર્યા છે. ફેસબુક, વ્હાઇટ્સએપ, ટ્વિટર જેવા સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ તેમજ ઓટીટી પ્લેટફોર્મ જેવા કે નેટફ્લિક્સ, અમેજન પ્રાઈમ, ડિજની હોટસ્ટાર અને અન્ય કેટલાક મીડિયા / ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર લાગુ રહેશે. આ તમામે નવા કાયદાનો ફરજીયાત પાલન કરવું પડશે અન્યથા દંડ થશે. દર્શકોની ઉંમરના આધારે એમેઝોન, નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મે ત્રણ સ્તરીય રચના કરવાની રહેશે.