જુનાગઢ શહેરમાં રૂ. 125 કરોડના ખર્ચે જોષીપરા અને એસટી બસ સ્ટેશન પાસે ફાટક ઉપર ઓવર બ્રીજનું નિર્માણ થનાર છે જેને લઈને ગઈકાલે મનપા કચેરી ખાતે ક્ધસલન્ટન્ટની સાથે શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે બેઠક યોજવામાં આવી હતી અને સૂચન સલાહ મંગાવવામાં આવ્યા હતા.
જુનાગઢના જોષીપરા રેલવે ફાટકનો જુનો પ્રશ્ન છે તે હલ કરવા માટે મહત્વની બેઠકમાં વિચાર કરી મહત્ત્વનો નિર્ણય લેવાયો તે રૂ. 125 કરોડના ખર્ચે જોષીપરા અને એસટી બસ સ્ટેશન પાસેના ફાટક ઉપર ઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવશે અને જેને લઇને પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
આ બેઠકમાં મનપાના ધીરુભાઈ ગોહેલ, કમિશનર તુષાર સુમેરા, કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ પ્રદિપસિંહ જાડેજા અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, અને ઓવર બ્રિજ, સર્વિસ રોડ, ટ્રાફિક સમસ્યા સહિતની બાબતો પર સવિસ્તાર ચર્ચાઓ કરવામાં આવી હતી અને અનેક પ્રશ્નો ખડા થવા પામ્યા હતા.
ગઈકાલે મનપા ખાતે યોજાયેલ બેઠકમાં આ અંગેનું ક્ધસલ્ટન્ટ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને તેમના જણાવ્યા અનુસાર સર્વિસ રોડ 4.5 મીટર નો હોવો જોઈએ પરંતુ હાલનો રોડ 3.75 મીટર છે, જેથી સર્વિસ રોડ 3 મીટરનો બનાવો પડશે અને રસ્તા ઉપર દબાણો છે, તેને દૂર કરવા પડશે. આ ઉપરાંત પાર્કિંગનો પ્રશ્ન પણ છે, બે પીલર વચ્ચે જગ્યા રહેશે ત્યાં પાર્કિંગ વ્યવસ્થા થઈ શકે તેમ છે, આ ઉપરાંત રેલવે સ્ટેશનના ચોકથી ઓવરબ્રિજ બનશે, ગીતા લોજથી એચ આકારનો બ્રિજ જોડાશે, જે ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે પૂર્ણ થશે. દરમિયાન જૂનાગઢ મનપાના કમિશનર તુષાર સુમેરા એ જણાવ્યું હતું કે, 30 કરોડ રૂપિયા 3 વર્ષ પહેલાના બજેટમાં મંજૂર થયા હતા ત્યારે એકમ બ્રિજ બનવાનો હતો, પરંતુ બે બ્રિજ બનાવવા જોઈએ તેવું રેલવે તંત્રે જણાવતા બાદમાં બે પુલનો રિવાઇઝ પ્લાન બનાવાયો હતો અને તેનો અંદાજીત ખર્ચ 106 કરોડ થયો હતો, અને હાલ તે પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, અને ફાઈનાન્સિયલ મંજૂરી માટે સરકારમાં મૂકી છે બાદમાં બ્લોક લેવલે મંજૂરી મેળવાશે અને પછી કામની શરૂઆત કરાશે. જોકે બ્રિજ માટે જરૂરી જમીન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે માટે સંપાદન બાબતે કોઈ પ્રશ્નો ખડા નહીં થાય અને આ બ્રિજ બનતા જૂનાગઢની ટ્રાફિક સમસ્યા ખૂબ જ ઓછી થઈ જશે.
જોકે ગઈકાલની બેઠકમાં ખાસ કરીને વોલ્વો બસની પહોળાઈ 2.60 મીટર હોય છે ત્યારે સર્વિસ રોડ માત્ર 3 મીટરનો કરવામાં આવે છે ત્યારે વાહનોમાં જો પંકચર થાય કે વાહનો બંધ પડે તો ગમે ત્યારે ટ્રાફિક ખોરવાઇ જવાની શક્યતાઓ છે. તેમ શૈલેષ દવે એ જણાવ્યું હતું, તો આ બેઠકમાં મનપાના કોર્પોરેટર સંજયભાઈ કોરડીયા 2050 ના ટ્રાફિકને ધ્યાને લઇ સર્વિસ રોડ અને ઓવરબ્રિજ બનાવવા જોઈએ તેવું સૂચન આપ્યું હતું, જ્યારે વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર હરેશભાઈ પરસાણા એ સર્વિસ રોડની પહોળાઈ વધારવાનું સૂચન કર્યું હતું.તો જૂનાગઢના જાણીતા તબીબ ડોકટર ડી.પી. ચિખલિયા એ બસ સ્ટેન્ડ ચોકથી પણ અવર બ્રિજ શરૂ થવો જોઈએ જેથી બસ સ્ટેન્ડમાંથી આવતા લોકો ને વધુ ફરવા ન જવું પડે અને સીધા ઓવરબ્રીજ પર ચડી શકે તેઓ સૂચન કર્યું હતું. જ્યારે કોર્પોરેટર લલીતભાઈ સુવાગયા એ બસ સ્ટેન્ડ પાસેની જગ્યા વધુ લઈને ત્યાં પહોળાઈ વધે તેવું કરવાની સૂચના આપી હતી. જ્યારે ભરત શિંગાળા એ પ્રેઝન્ટેશન ના નામે સમયનો બગાડ થઇ રહ્યો છે આ કામગીરી ઝડપી થવી જોઈએ અને ભૂમિ પૂજા તથા ખાત મુહર્ત જલ્દી કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. બેઠકના અંતે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા સ્થળ પર જઇ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.