પાણા ખાણ વિસ્તારમાં જનતા પર જોખમ
કોરોના કાળમાં સફાઈની ખાસ તકેદારી રાખવામા આવી રહી છે. પરંતુ, જામનગર શહેરના પાણાખાણ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેંદ્રના આંગણમાંથી જ પસાર થતી કેનાલમાં ગંદકીના થર જામતા સફાઈ કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. શહેરના દિગ્વિજય પ્લોટ 49 રોડ પર આવેલા પાણાખાણ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેંદ્ર પર હાલ કોરોના વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો અહીં વેક્સિન લેવા દરરોજ આવી રહ્યા છે. પરંતુ, મનપા તરફથી આરોગ્ય કેંદ્રની આગળ જ આવેલી વરસાદી પાણીના નિકાલની કેનાલમાં લાગેલા ગંદકીના થર સાફ કરવાની તસ્દી લીધી નથી. અહીં અકસ્માત સર્જાવાનો ભય સર્જાયો છે. જમીનના લેવલે કેનાલની અંદર કચરો ભરાયો હોય લોકો અથવા પશુ અકસ્માતનો ભોગ બને તેવી શક્યતાઓ છે. જામનગર મનપાના સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી મુકેશ વરણવાએ કહ્યું કે, જામનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે 35 કિલોમીટર જેટલી કેનાલ આવેલી છે. ચોમાસા પહેલા થતી પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન કેનાલો સાફ કરવામા આવશે. પ્રિમોન્સૂન કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરાશે.