જોરદાર ઓપનીંગ પાર્ટનરશીપ બાદ પણ ઈંગ્લેન્ડના બેટસમેનો ટીમને જીત અપાવી ન શકયા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પુણે ખાતે રમાઈ રહેલી ત્રણ મેચની વન ડે સિરીઝના પ્રથમ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 318 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ ફક્ત 15 ઓવરમાં 135 રન ભેગા કરી લીધા હતા. જોરદાર શરૂઆત મળતા ઇંગ્લેન્ડ સરળતાથી રન ચેઝ કરીને મેચ જીતી લે તેવી પરિસ્થિતિ નિર્માણધીન થઈ હતી. જો કે, ઇંગ્લેન્ડની ટીમને આ બાબત જ નડી ગઈ હોય તેવું લાગી આવ્યું હતું. ટીમ ઇંગ્લેન્ડના બેટ્સમેનો અતિ આત્મવિશ્વાસમાં આવી ગયા હોય અને મેચ જીતી જ જવાના હોય તેવા ફાકામારહી ગયા અને ભારત મેચ સરકાવી ગયું. ટીમ ઇંગ્લેન્ડના બેટ્સમેનો પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ જે રીતે આઉટ થયા તે રીતે શેરી-મહોલ્લામાં રમતા ખેલાડીઓ પણ આઉટ ન થાય તેવા ચિત્રો સામે આવ્યા હતા. જે ટીમ એક તબક્કે સરળતાથી 45 ઓવર સુધીમાં રન ચેઝ કરી લ્યે તેવું લાગી રહ્યું હતું તે ટીમ ઓલઆઉટ થઈને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી અને ભારતને 66 રને જીત મળી હતી.
મેચની જો વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતે 50 ઓવરની અંતે 5 વિકેટે 317રન કરી ઈંગ્લેન્ડને 318 રનનો જીત માટે લક્ષ્યાંક આપ્યું હતું. જેમાં ઈંગ્લેન્ડ 251 રનમાં ઓલઆઉટ થતાં ભારતે પ્રથમ વન-ડે 66 રનથી જીતી લીધી હતી. ત્રણ મેચોની સીરિઝમાં 1-0થી ભારત આગળ છે. ભારત તરફથી ઓપનિંગમાં રોહિત શર્મા 28 રનની અને શિખર ધવને 98 રનની મજબૂત શરૂઆત કરી હતી. જો કે 15મી ઓવરમાં 64 રન પર ભારતની પ્રથમ વિકેટ રોહિત શર્માના સ્વરૂપમાં પડી હતી. બેન સ્ટોક્સના બોલમાં રોહિત મોર્ગનના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ ધવન અને કોહલીએ ભારતની ઈનિંગ સંભાળી હતી. જ્યારે સૌ કોઈ કોહલીની સદીની રાહ જોઈ રહ્યું હતું તે ફરીથી એક વખત બની શક્યુ ન હતું. વુડના બોલ પર કોહલી આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડ 318 રનના લક્ષ્યાંકને સર કરવા માટે ઓપનિંગમાં જેસન રોય 46 અને જોની બેયરસ્ટો 94 સાથે મેદાનમાં ઉતરી હતી. બંને ઓપનર્સે મજબૂત શરૂઆત કરી હતી ત્યારે લાગી રહ્યું હતું કે આજે ઈંગ્લેન્ડ પોતાની જીત મેળવીને જ રહેશે. 135 રન સુધી એક પણ વિકેટ ન પડતાં ટીમ ઈન્ડિયાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં. આવામાં પોતાની ડેબ્યુ મેચમાં ક્રિષ્નાએ ઉપરા-ઉપરી બે વિકેટો ખેરવી ઈંગ્લેન્ડની મજબૂત શરૂઆતને નબળી પાડી દીધી હતી. ક્રિષ્નાએ જેસન રોય અને બેન સ્ટોક્સની વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં આજે સૌથી વધુ મહત્વનો ફાળો બેટ્સમેનની સાથે સાથે બોલરોનો પણ રહ્યો. બેટિંગમાં ગબ્બર કહેવાતા શિખર ધવને 98 રનની ધમાકેદાર ઈનિંગથી પહેલેથી જ જીતના પાયા મજબૂત કરી નાંખ્યા હતાં. જયારે રાહુલ 62 અને કૃણાલ પંડ્યા 58 રન કરી ઝડપી ઈનિંગ રમીને મોટું યોગદાન આપ્યું હતું. બીજી બાજુ બોલિંગમાં ડેબ્યુ કરી રહેલા પી. ક્રિષ્નાએ ગજબ પ્રદર્શન કરતા 4 વિકેટો પોતાના નામે કરી હતી. શાર્દુલ ઠાકુરે પણ 4 વિકેટો ખેરવી હતી જ્યારે ભુવનેશ્વર કુમારે 2 વિકેટો લીધી હતી. કૃણાલ પંડ્યાએ ઓલરાઉન્ડર પર્ફોમન્સ આપતા 1 વિકેટ પણ પોતાના નામે કરી હતી. બાદમાં બેયરસ્ટોએ મજબૂત ઈનિંગનું પ્રદર્શન કર્યુ હતું અને માત્ર 66 બોલમાં 94 રન ફટકાર્યા હતાં. શાર્દુલ ઠાકુરની 23મી ઓવરમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. ટોપ ઓર્ડર નબળો પડી ગયા બાદ ઈંગ્લેન્ડનો મિડલ ઓર્ડર કંઈ ખાસ કરી શક્યું ન હતું. કોઈ પણ બેટ્સમેનને લાંબી ઇનિંગ સુધી ભારતીય બોલરોએ ટકવા દીધાં ન હતાં.