અત્યાર સુધીમાં 39.36 લાખ લોકોને અપાયું કોરોના કવચ
રાજ્યભરમાં 5381 સરકારી અને 452 ખાનગી રસીકરણ કેન્દ્રો કાર્યરત: રસીકરણ ઝૂંબેશમાં ગુજરાત દેશના ટોપ- 5 રાજ્યમાં
કોરોનાના કેસોમાં ઉછાળો આવતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં વેકસીનેશનની કામગીરીને વેગ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. અગાઉ દરરોજ દોઢ લાખ લોકોને કોરોના કવચ પૂરું પાડવામાં આવતું હતું તેને બદલે હવે દરરોજ ત્રણ લાખ લોકોને કોરોના કવચ પૂરું પાડવાનું આયોજન કર્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ કોરોનાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. હવે ફરી રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા વધવા લાગી છે. જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર સતર્ક થઈને વિવિધ નિર્ણયો લઈ રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ તમામ રાજ્યોની કોરોના સંદર્ભે સ્થિતિ જાણીને વિગતો મેળવી હતી. સાથોસાથ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ ફરી હરકતમાં આવ્યું છે. કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. દરેક જિલ્લાઓમાં કોરોનાની સારવાર માટે બેડની સંખ્યા વધારવામાં આવી છે. ધનવંતરી રથો ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રસીકરણ ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં રાજ્યમાં દરરોજ દોઢ લાખ લોકોને વેકસીન આપવામાં આવતું હતું. તેની બદલે હવે દરરોજ ત્રણ લાખ લોકોને વેકસીન આપવા માટે આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના રાજ્યોની કોરોના સ્થિતી અને રસીકરણની સમીક્ષા અંગે તાજેતરમાં યોજેલી વિડીયો કોન્ફરન્સમાં ગુજરાતમાં દૈનિક સરેરાશ રસીકરણની સંખ્યા 1.પ0 લાખથી વધારીને બે ગણી એટલે કે 3 લાખ સુધી લઇ જવાની નેમ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીની આ નેમને સાકાર કરવા રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના રસીકરણને ઝૂંબેશ સ્વરૂપે ઉપાડીને અત્યાર સુધીમાં 4પ થી 60ની વયજુથના કોમોરબીડ અને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠો એમ કુલ 39 લાખ 36 હજાર 104 વ્યક્તિઓનું રસીકરણ પૂર્ણ કર્યુ છે. આ હેતુસર સમગ્ર રાજ્યમાં પ381 સરકારી અને 4પર ખાનગી મળી કુલ પ833 રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલા છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતે રસીકરણ માટે પાત્રતા ધરાવતા હોય તેવા 39.36 લાખ વ્યક્તિઓના રસીકરણ દ્વારા દેશભરમાં પાંચ અગ્રીમ હરોળના રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના-કોવિડ-19 સામેના રક્ષણાત્મક ઉપાય-તરીકે આ રસીકરણમાં તેમનો વારો આવે ત્યારે અવશ્ય વેકસીન લેવા પ્રજાજોગ અપિલ પણ કરી છે.
બીજી તરફ કોવિડ-19થી નાગરિકોને સુરક્ષિત કરવા માટે આગામી 1લી એપ્રિલ થી 45થી 59 વર્ષના વ્યક્તિઓને કોવિડની રસી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવી એ જણાવ્યુ છે કે,ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ આગામી 1લી એપ્રિલ, 2021થી રાજયમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો ને કોવિડની રસી અપાશે. ડો. રવી એ ઉમેર્યુ કે, 45 વર્ષથી વધુ ઉમરના જેને કોઇ બિમારી હોય કે ના હોય તેવા તમામ વ્યક્તિઓને કોવિડ-19ની રસી આપવામાં આવશે. તા. 1 એપ્રિલ, 2021ના રોજ થી 45થી 59 વર્ષના વ્યક્તિઓને અન્ય બિમારી માટેનું ડોક્ટરના પ્રમાણપત્રની જરૂરીયાત રહેશે નહિ. વધુમાં કોવિશિલ્ડ વેક્સિન અંગે માહિતી આપતા ડો. રવીએ જણાવ્યું કે ભારત સરકારશ્રી દ્વારા રચાયેલ ટાસ્ક ફોર્સની સલાહ મુજબ કોરોના વેક્સીન – કોવિશિલ્ડના 2 ડોઝ વચ્ચે ચાર થી આઠ અઠવાડિયાનું અંતર (6 અઠવાડિયા ઇચ્છનીય) રાખવા જણાવાયુ છે.