ઉપલેટા, ધોરાજી, જેતપુર અને જૂનાગઢ પંથકમાં અસંખ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલી ચીકલીકર ગેંગના ત્રણ શખ્સોને એલસીબી સ્ટાફે ગોમટા ચોકડી પાસેથી ઝડપી લીધા છે. એક શખ્સ ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે. પોલીસે ત્રણેય રીઢા તસ્કરો પાસેથી રૂા.2.88 લાખનો મુદામાલ કબ્જે કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પી.આઇ. એ.આર.ગોહિલ, પી.એસ.આઇ. વી.એમ.કોલાદરા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા અને કૌશિક જોષી સહિતના સ્ટાફે ગોમટા ચોકડી પાસેથી ભેસાણના ધરમસીંગ મંગલસીંગ બાવરી, સુરતના દર્શનસીંગ બીરલાસીંગ સીકલીકર અને અમરેલીના વડીયા ગામના ઇમરતસીંગ મહેન્દ્રસીંગ દુધાણી નામના શખ્સોને ઇક્કો કાર સાથે બાતમીના આધારે ઝડપી લીધા છે.
ત્રણેય શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓએ ઉપલેટા, ધોરાજી, જેતપુર, જૂનાગઢ, વડાલ, અમરનગર અને ભેસાણ સહિત દસ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી છે. ચોરીના ગુનામાં તેની સાથે અર્જુન બચ્ચનસીંગ સંડોવાયો હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથધરી છે. જ્યારે માણાવદરના ધરમસીંગ બાવરી સામે આ પહેલાં હત્યાનો ગુનો નોંધાયો છે.ઇક્કો કારની ચોરી કરી બંધ મકાનમાં ચોરી કર્યા બાદ ચોરેલી કાર રેઢી મુકી દેતા હોવાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી ચોરીના સાધનો, કાર અને રોકડ મળી રૂા.2.88 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.